દુર્ઘટના:રસલિયાની સીમમાં આગ ભભુકતાં 6 એકર જમીનમાં કિંમતી ઘાસ ભસ્મિભૂત

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનચક્કીની વીજ લાઇનમાં ફોલ્ટના પગલે બન્યો બનાવ

કચ્છ જાણે રેઢિયાણ ખેતર હોય તેમ પવનચક્કીઅોનું જંગલ ઉગી નીકળ્યું છે, જેના પગલે અાગના બનાવો છાશવારે બનતા રહે છે ત્યારે નખત્રાણા તાલુકાના રસલિયાની સીમમાં પવનચક્કીની વીજલાઇનમાં ફોલ્ટના પગલે લાગેલી અાગમાં કિંમતી ઘાસચારો બળીને ખાક થઇ ગયો હતો. રસલિયાના જુવાનસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, ગામની સીમમાંથી પગાર થતી પવનચક્કીની વીજ લાઇનમાં ફોલ્ટ સર્જાતાં આગ લાગી હતી, જે અાગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અંદાજિત 6 એકર વિસ્તારમાં ઘાસ બળીને ખાક થઈ ગયું હતું.

આગ લાગવાના બનાવની જાણ ગામના નાગરિકોને થતાં તેઅો સ્થળ પર દોડી ગયા હતા અને હાથવગા સાધનો વડે મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, પવનચક્કીની સંબંધિત કંપનીઅોના કર્મચારીઅોઅે લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, તેમની કંપનીની વીજ લાઇનના કારણે અાગ લાગી નથી. અત્રે અે પણ નોંધવું રહ્યું કે, ગત વર્ષે પણ ખાસ કરીને અબડાસા અને લખપત તાલુકાનો મોટાભાગનો સીમાડો પવનચક્કીઅો અથવા તો તેની વીજલાઇનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી અાગના પગલે બળી ગયો હતો.

જો કે, નવાઇની વાત અે છે કે, અાવા કિસ્સામાં સંબંધિત કંપનીઅો દ્વારા કોઇ જ વળતર અપાતું નથી. ચોમાસામાં સારા વરસાદ બાદ જિલ્લામાં ઘાસચારાનો પ્રશ્ન હલ થઇ ગયો છે ત્યારે અા રીતે જો અાગના બનાવોથી સીમાડો સળગતો રહેશે તો પશુઅો માટે ચરિયાણનો પ્રશ્ન ફરી વિકટ બનશે.

અન્ય સમાચારો પણ છે...