કડક કાર્યવાહી:નખત્રાણાની ડ્રાઇવમાં 3 ઓવરલોડ વાહનો અને રેતી ચોરી પકડાઇ

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાપક મળેલી ફરિયાદો બાદ તંત્રએ આળસ ખંખેરી

કચ્છમાં અવરલોડ અને ખનિજચોરીએ હદ વટાવી છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે નખત્રાણામાં તંત્રએ આળસ ખંખેરી હોય તેમ ઓવરલોડ અને ખનિજ ચોરી સામે પગલા ભરવાના શરૂ કર્યા છે.

મામલતદાર નખત્રાણાની ટીમ દ્વારા આકસ્મિક ચકાસણી દરમ્યાન બેરૂના પાંચાણી ફાર્મ નજીક રેતી ભરેલા ટ્રેક્ટરને પકડી પાડ્યા હતાં. જે રામપરના સીમાડા માંથી રેતી ભરી નખત્રાણા ખાતે લઇ જતાં હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ચાલકની પુછપરછ કરતા ગેરકાયદેસર રેતીનું પરિવહન કરાતુ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે ટ્રેક્ટર કબ્જે લઇ નખત્રાણા પોલીસ સ્ટેશનને કબ્જો સુપરત કરવામાં આવ્યો હતો.

આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી, ખાણ-ખનીજ વિભાગને તપાસ કરવા રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા રૂ. 45,554/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તો નખત્રાણા તાલુકામાં ચાલતા ઓવરલોડ વાહનોની મળેલી ફરિયાદો બાદ પ્રાંત અધિકારી મેહુલ કુમાર બરાસરાના માર્ગદર્શન હેઠળ મામલતદાર ભરત કુમાર દરજી, આર. ટી. ઓ., આર એન્ડ બી, તથા પોલીસની ટીમને સાથે રાખી સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં તપાસેલા 12 જેટલા ટ્રકમાંથી 3 ટ્રકમાં વજન વધુ જણાઈ આવ્યુ હતું. તેમના વિરૂદ્ધ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરીથી નખત્રાણામાં રેતીની ચોરી રોયલ્ટી ચોરી અને ઓવરલોડ વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જોકે આવી કામગીરી સતત ચાલુ રહે તે જરૂરી હોવાનું લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...