ચૂંટણી જો ચક્કર:મુન્દ્રાના મતદારોની ઉદાસીનતા કોને ભારે પડશે?

મુન્દ્રા6 દિવસ પહેલાલેખક: રાહુલ દાવડા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિકાસ દેખાતો નથી અને સંકટ વેળાએ વિપક્ષ ન દેખાયો તેથી મતદાતાઓમાં ઉમળકાનો અભાવ

વિધાનસભાની ચૂંટણીઓને અનુલક્ષીને મતદાન ની તારીખ તદ્દન નજીક હોવાથી ત્રણે મુખ્ય રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી સભાઓ સંબોધી રહ્યા છે.ત્યારે બંદરીય મુન્દ્રાના મતદારોને જાણે લોક પ્રતિનિધિ ચૂંટી કાઢવામાં જાણે રસ જ ન હોય તેવું ભાસે છે.

મતદાતાઓ ચૂંટણીમાં જ રસ ગુમાવી ચુક્યા હોવાનું ચિત્ર ઉપસ્યું
છેલ્લા બે દાયકાઓથી ભાજપ ને સત્તાપક્ષ તરીકે મંજૂરીની મહોર મારતી સ્થાનિક પ્રજા જર્જરિત માર્ગો,આરોગ્ય ક્ષેત્રે ના શુન્યાવકાશ,મધ્યમ વર્ગની કમર તોડી નાખતું શિક્ષાનું ખાનગીકરણ ઉપરાંત અનેક પાયાની સવલતોના અભાવ વચ્ચે અંજામ સુધી ન પહોંચતા ખાતમુહર્તો થી કંટાળી ગઈ હોવાનું પ્રતિત થઇ રહ્યું છે.બીજી તરફ સબળ વિકલ્પની જગ્યાએ સંકટ વેળાએ ગેરહાજર રહી ફક્ત હાઇકમાન્ડને આકર્ષવા વિવિધ વિભૂતિઓની જન્મજયંતિ વેળાએ ફોટોસેશન કરાવી પ્રજાકીય કાર્યો કરવાનો સંતોષ માની લેતો વિપક્ષ હાલ સત્તાપક્ષની નિષ્ફ્ળતાઓ વટાવી ખાવાની પેરવીમાં હોવાનું સારી પેટે પિછાણી ચૂકેલા મતદાતાઓ ચૂંટણીમાં જ રસ ગુમાવી ચુક્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

મતદારો રૂપે ભરેલું નાળિયેર અંતિમ ઘડીએ કઈ તરફ ફંટાય છે તે જોવું રહ્યું
ત્રીજી તરફ દ્વિપક્ષીય જંગમાં કુદેલી આમ આદમી પાર્ટી થી મતદારોતો વિમુખ છે પણ પેંધેલા બંન્ને મુખ્ય પક્ષના કાર્યકરો તેને મૂક ટેકો આપવાનો લોલીપોપ દેખાડી ખંખેરવાનો ખેલ પાડી રહ્યા છે ત્યારે તે જીત કરતા બંન્ને પક્ષો માંથી એક ની હાર માટે નિમિત્ત બને તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.હવે મતદારો રૂપે ભરેલું નાળિયેર અંતિમ ઘડીએ કઈ તરફ ફંટાય છે તે જોવું રહ્યું .હાલના વાતાવરણ ને લઇ દિવ્યભાસ્કર દ્વારા તટસ્થ મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરતાં કેટલાકે નામ આપવામાં ભીરુતા દર્શાવી હતી જયારે કોઈ છડેચોક મંતવ્ય આપવા રાજી થતાં ઉપરોક્ત સ્થિતિ સપાટીએ તરી આવી છે.

ઉમેદવારો ને ઓળખતા જ નથી તો મત શેનો ?

હજી સુધી તો કેવળ પક્ષ અને તેના ચિહ્નન ની પહેચાન છે ચૂંટણી લડતા ઉમેદવારોને તો ઓળખતાજ નથી તો મત શેનો ?ફક્ત વર્તમાનપત્રોમાં વિકાસકાર્યો ની ગ્રાંટ પાસ થઇ તેવું વાંચીએ છીએ પરંતુ વપરાય છે ક્યાં ? તેવો વેધક સવાલ ઉઠાવતાં યુવા સલીમ એસ જતે હાલ ગામમાં ગૌરવપથ અને પેવર બ્લોક નું કામ અધૂરું છે.

ચૂંટણી સમયે વોટ માંગવા નીકળતા બરસાતી મેઢક ગણાવ્યા
​​​​​​​શાસ્ત્રી મેદાનની સુધારણા નું ઠેકાણું નથી,હંસ ટાવરની ઘડિયાળનો સમય અટક્યો પડ્યો છે.હોસ્પિટલમાં સાધનો નથી વિકાસ ક્યાં દેખાય છે ? તેવો અંતર્નાદ વ્યક્ત કરી વિપક્ષને ફક્ત ચૂંટણી સમયે વોટ માંગવા નીકળતા બરસાતી મેઢક ગણાવ્યા હતા.તેમજ આપ માં વિશ્વાસ કરવો હજી વહેલું ગણાવી નાટો નું બટન દબાવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

હાલની સ્થિતિમાં લોકશાહીનું પતન

આજ ની તારીખ માં પક્ષ જેવું રહ્યું નથી.સત્તાપક્ષ ને માન છે સત્તા મેળવવા ગમે તે પક્ષનો લોક પ્રતિનિધિ પ્રજા ની મુશ્કેલીઓ અનદેખી કરી મૂળ પક્ષનો ત્યાગ કરતો હોવાનું ઉદાહરણ સમેત જણાવી ગામના જાગૃત આધેડ શક્તિસિંહ જાડેજાએ જણાવ્યું હતું.જેના કારણે વિપક્ષનું અસ્તિત્વજ નથી રહ્યું .આમ આ એક પ્રકારનું લોકશાહીનું પતન છે જેથી દેશ સરમુખત્યારશાહી તરફ આગળ વધે તે પહેલા મતદારો ને જાગવું જરૂરી બન્યું છે.અને તે માટે ચૂંટણી ને અવગણી પોતાની લાગણી રાજકીય આકાઓ સુધી પહોંચાડવા નો મત વ્યક્ત કર્યો હતો.

વિકાસના તમામ દાવા માત્ર ઉપજાવી કાઢવામાં આવેલો ભ્રમ

અગાઉ ગ્રાહક સુરક્ષા સાથે સંકળાયેલા વયસ્ક નાગરિક પ્રવીણ મહેતાએ વિપક્ષ અંગે સમાન લાગણી દર્શાવી કહ્યુ કે છેલ્લા દસ મહિનાથી પોર્ટ કોલોની થી બસ સ્ટેન્ડ સુધી ગૌરવપથનું કામ ગોથા ખાય છે વિશેષમાં સતત સત્તાપક્ષ હોવા છતાં દાયકાથી બસસ્ટેન્ડ થી બારોઇ સુધીનો માર્ગ જર્જરિત હોવા પર પ્રકાશ પાડી વિકાસના દાવા ફક્ત ઉપજાવી કાઢેલો ભ્રમ હોવાનો આક્રોશ વ્યક્ત કરી મતાધિકારનો બહિષ્કાર કરવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...