મુન્દ્રા થી બાર કિમી ના અંતરે આવતા નાના એવા વિરાણીયા ગામના ગ્રામજનોએ પર્યાવરણ જાળવણીના સંકલ્પ ને સુપેરે સિદ્ધ કરતાં ગત વર્ષે વિશાળ સંખ્યામાં વૃક્ષોની વાવણી કર્યા બાદ તેનો જતન પૂર્વક ઉછેર કરી સંપૂર્ણ કસબા ને નંદનવન માં ફેરવી નાખ્યું છે.
તાલુકામાં ફૂંકાયેલા ઔદ્યોગિકરણ ના વાયરા ને અનુલક્ષી 1100 ની વસ્તી ધરાવતા ગામ લોકોએ સામુહિક રીતે પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો.તેમની ઈચ્છા ને પોતાના ખભે ઉંચકી લેનાર સ્થાનિક ગ્રામપંચાયતના યુવા સરપંચ શક્તિસિંહ જાડેજાએ ગ્રામજનો સાથે મળી વન વિભાગના સહયોગથી ગામની 75 એકર જમીનમાં 18000 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.પરંતુ ફક્ત વૃક્ષારોપણ નું ફોટો સેશન યોજી જવાબદારી માંથી મુક્ત થવાતું નથી તે વાત ને સારી રીતે આત્મસાત કરી ચૂકેલા ગામના કિસાનોએ એક વર્ષ સુધી સતત વૃક્ષોને વેળાસર પાણી અને ખાતર રૂપી ખોરાક આપી જતન પૂર્વક ની ચાંવત લઇ તેનો ઉછેર કર્યો.
વિશેષમાં સ્થળ પર મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે બેસવા માટે આહલાદક અનુભૂતિ કરાવતી વન કુટીર નું ઉભી કરી.આમ એક વર્ષની અંદર ધગશ પૂર્વક કરેલા શ્રમ વડે સમગ્ર વિસ્તારની કાયાપલટ કરી નાખી.હાલ કુટીરમાંથી ચોમેર પથરાયેલો મનભાવન નજારો મુલાકાતીઓને ખુશનુમા અહેસાસ કરાવી પર્યાવરણ જાળવણી માટેની એક અનોખી પ્રેરણા પુરી પાડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.