મુન્દ્રા અને બારોઇને નગરપાલિકાનો દરજ્જો મળ્યાને વર્ષનો સમયગાળો વીત્યો છતાં અા દરમ્યાન સરકારી હોસ્પિટલની સુધારણા, ઐતહાસિક જેરામસર તળાવને રમણીય ઓપ આપવો, પાલિકા ભવનનું નિર્માણ, અગ્નિશામક દળની ઉપલબ્ધી સહિતના અનેક વિકાસકાર્યો જાહેર કરાયા પરંતુ હજુ એકપણ કામના શ્રીગણેશ થયા નથી.
ઉલ્ટાનું ગ્રામપંચાયતના શાસનકાળ વેળાએ બની ચૂકેલી સરકારી મિલકતો આજની તારીખમાં સ્થાનિકેથી જિલ્લા સ્તર સુધી સતાપક્ષના અણઘડ વહીવટની ચાડી ખાતી નજર આવી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી ધૂળ ખાતી સરકારી નાણાંના વ્યય સમાન સંપદાઓ પર એક નજર કરીએ તો મામલતદાર કચેરીની તદન નજીક નિર્માણ થઇ ચૂકેલું ગ્રામહાટ, જૂની પોર્ટ કોલોની નજીક બગીચાને અડીને આવેલું ઇજનેરી કોલેજનું ભવન અને આદર્શ ટાવર નજીક બનેલું જાહેર શૌચાલય તેનું જીવંત ઉદાહરણ છે.
છાત્રોને 5 કિલોમીટરનો ફેરો ન થાય તે માટે નજીકમાં બની ઇજનેરી કોલેજ
હાલ ઇજનેરીનો અભ્યાસ કરતા છાત્રોને કોલેજ સુધી પહોંચવા મુન્દ્રાથી 5 કિ.મી. દૂર સુધી લાંબા થવું પડે છે. વિશેષમાં તેમની પાસે ખાનગી વાહનો સિવાય અન્ય પરિવહનનો કોઈ વિકલ્પ નથી, જેથી તેને ધ્યાને લઇ વિદ્યાર્થીઓને નજીક પડે તેવા આશયથી અંદાજિત 35 લાખના ખર્ચે રોકડિયા હનુમાન મંદિર નજીક આવેલા ઉદ્યાનમાં નવા ઇજનેરી ભવનનું નિર્માણ કરાયું હતું પરંતુ હાલ તેનો પણ કોઈ ઘણી ધોરી નથી.
આદર્શ ટાવર પાસેના જાહેર શૌચાલય પસંદગીનું સ્થળ
નગરના ઔદ્યોગિક વિકાસ બાદ વસ્તીમાં તો જંગી વધારો નોંધાયો, સાથોસાથ બારાતુઓની અવર-જવર વધી પરંતુ પ્રવાસીઓ માટે એક પણ જાહેર શૌચાલય ઉપલબ્ધ ન હોવાથી ખાનગી બસોની આવજા ધરાવતા મુખ્ય પોઇન્ટ આદર્શ ટાવર પાસે તે જ સમયગાળામાં લેડીઝ અને જેન્ટસ ટોઇલેટનું નિર્માણ કરાયું હતું પરંતુ હાલ જતનના અભાવે તેનો ઉપયોગ પણ પ્રવાસીઅોથી વધુ પિયકક્ડો કરતા હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.
હજુ જિલ્લા પંચાયત દ્વારા અમને સૂચિત જગ્યા સુપરત કરવામાં આવી નથી : પાલિકા પ્રમુખ
ઉપરોક્ત બાબતે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારનો સંપર્ક કરી ત્રણેય મિલકતોની જાળવણી અંગે જાણવાનો પ્રયાસ કરતાં તેમણે હજી સૂચિત સંસ્થાનો પાલિકાનો દરજ્જો મળ્યા બાદ તેને સુપ્રત કરવામાં ન આવ્યા હોવાની લાગણી દર્શાવી સંચાલન હાથમાં આવ્યેથી તેની સંપૂર્ણ દરકાર લેવાનો મત દર્શાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.