આયોજન:મુન્દ્રામાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા પીડિત નિર્ભય થઇ પોલીસના દ્વારે આવે

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિટી પોલીસ પરિસરમાં​​​​​​​ આયોજિત લોકદરબારમાં ડીવાયએસપીએ ભોગગ્રસ્તોને સધિયારો આપ્યો

વ્યાજના વિષચક્રમાં ફસાયેલ ગરીબ અને મધ્યમવર્ગ પોલીસ પ્રત્યે વધુ વિશ્વાસ કેળવે તે આશય થી પોલીસ દ્વારા હાથ ધરાયેલ વ્યાજખોરી વિરુદ્ધ રાજ્ય વ્યાપી અભિયાન અંતર્ગત મુન્દ્રા સ્થિત સિટી પોલીસ પરિસરમાં યોજાયેલ લોકદરબારમાં ડીવાયએસપી એ ભોગગ્રસ્તોને સાંભળી અન્ય પીડિતોને નિર્ભય થઇ પોલીસના દ્વારે આવવાનું આહવાન કર્યું હતું.

પાલિકાના આગેવાનો અને વેપારી અગ્રણીઓની ઘાટી ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન ગરીબ વર્ગ અને મધ્યમવર્ગ ની વચ્ચે જઈ તેમને સાંભળવાના સૂચનો મળ્યા બાદ એક યુવા મહિલાએ પોતાની ઓળખ છુપાવી વ્યાજખોરો દ્વારા કરતી રંજાડ અંગે પોલીસને અવગત કરી પોતે ચાલીસ ટકા વ્યાજ ભરી ચુકી હોવા છતાં ધીરધારો તેના બારણાં ખખડાવી પતિને ધમકાવા ઉપરાંત બધી જાતનો માનસિક ત્રાસ આપતા હોવાની દર્દનાક કથની સંભળાવી હતી.

જેના પ્રત્યુત્તરમાં સહાયક જિલ્લા પોલીસ અધિક્ષક એ આર જનકાંતે થાણા ઇન્ચાર્જને કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે પીડિતાને સાંભળી કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.જયારે સટ્ટામાં દોઢ કરોડ રૂ ગુમાવી ચૂકેલા એક યુવાને પોતે પૈસા આપી દેવા તૈયાર છે પણ તેને સમય લઇ આપવાની માંગ કરતાં એ આર જનકાંતે તેના પ્રત્યે સહાનુભતિ દર્શાવી લોકોને નાણાંકીય મદદ કરનાર ને ખોટી રીતે ભોગ ન બનાવા ની અપીલ કરી હતી.

તેમજ ખાસ કરીને સમગ્ર પંથકમાં વ્યાજખોરીના નામે મહિલાઓ પર કે કોઈ નિર્દોષ પર અત્યાચાર થતો હોય તો આંગળી ચિંધવાનું પુણ્ય કમાવા પર ભાર મુક્યો હતો.ઉપરાંત વયસ્ક નાગરિકો ને મદદરૂપ થવાનું આયોજન ઘડી કાઢવાની અપીલ સ્થાનિક પોલીસ ઉપરાંત ઉપસ્થિત મહાનુભવોને કરી હતી.કાર્યક્રમના અંતે મુન્દ્રા પી આઈ હાર્દિક ત્રિવેદીએ વ્યાજખોરોના ત્રાસ સહન કરતા વ્યાજબી લોકોની વહારે આવવાની તત્પરતા દર્શાવી હાજર લોકોનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...