ઇસ 1987માં કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રા મધ્યે સામાન્ય દવાખાનાને અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂપાંતરિત કરાયાના લાંબા સમયગાળા બાદ ઔદ્યોગિક નગરીમાં વિકાસના પોકળ દાવાઓ વચ્ચે આજની તારીખમાં સીએચસી મધ્યે નિષ્ણાંત તબીબોના અભાવ થકી વિવિધ સાધન સામગ્રીઓ ધૂળ ખાતી નજર આવે છે.
કચ્છ જિલ્લા પંચાયતના માજી વિપક્ષી સદસ્ય હાજી સલીમ જતે જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને કરેલી લેખિત ફરિયાદમાં સરકારી દવાખાનાઓમાં ખૂટતી કડીઓ ઉપર પ્રકાશ પાડતાં ડિસેમ્બર 21 માં સ્ત્રીરોગ નિષ્ણાંતની સ્વૈચ્છીક નિવૃત્તિ બાદ આજ પર્યંત તેની જગ્યા ભરાઈ ન હોવાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને નછૂટકે ખાનગી દવાખાનાઓને શરણે જઈ જબ્બર આર્થિક ફટકો વેઠવો પડતો હોવાની લાગણી દર્શાવી છે.
વિશેષમાં ગાયનેકના તમામ સાધનો દવાખાનામાં ઉપલબ્ધ હોવા ઉપરાંત 2012 થી દંત સર્જન ન હોવાથી ડેન્ટલ ચેર અને સંલગ્ન સાધનો ધૂળ ખાતા હોવાનો કચવાટ વ્યક્ત કર્યો છે. વધારામાં એક્સરે ટેક્નિશિયનની જગ્યા 2007 થી ખાલી છે. છતાં અન્ય નવું મશીન મંજુર થઈને આવી ગયેલ છે. ત્યારે મોંઘા આરોગ્ય સાધનોની ખરીદી અંગે સૂચક સવાલો ઉઠાવી વર્ષોથી 30 બેડની હોસ્પિટલને વસ્તી વધારાને લક્ષમાં રાખી 50 માં તબદીલ કરી તાત્કાલિક ધોરણે પ્રજાની માંગને અનુલક્ષીને ખૂટતા તબીબોને નિયુક્તિ સાથે લોકોને ખરા વિકાસની ઝાંખી કરાવાની માંગ કરી છે.
ઉપરાંત હાલ જિલ્લામાં 16 સા. આ. કેન્દ્રોમાં એક્સરે મશીન ઉપલબ્ધ હોવા છતાં એકાદ સેન્ટરને બાદ કરતા બાકીના 15 માં ટેક્નિશ્યનની જગ્યા ખાલી હોવાનો દાવો હાજી સલીમ જતે કર્યો છે. તથા તબીબી અધિકારીઓની જગ્યા સામે અડધી ખાલી, એવીજ હાલત પેરામેડીકલ સ્ટાફની હોવાથી આઉટસોર્સ એજન્સીઓ મારફત જગ્યાઓ ભરી કામ ચલાવવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.