દબાણ દુર ન થતાં અડચણ:મુન્દ્રામાં બાર ઇંચ વરસાદ પડ્યો છતાં ઐતિહાસિક જેરામસરમાં નહીંવત નીર

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોન્સૂન કામગીરી રૂપે ખાણેત્રુ થયું પણ આવ પરના દબાણ દુર ન થતાં અડચણ

મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો તો મળ્યો પણ નગરના ઐતિહાસિક તળાવ જેરામસરમાં 12 ઇંચ વરસાદ બાદ પણ અપેક્ષિત માત્રામાં નીરની આવક ન થતાં તેની હાલત દાયકા પહેલાં હતી તેવી યથાવત રહી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ નગરના ઔદ્યોગિક વિકાસ પહેલા દસ ઇંચમાં ઓગની જતા જેરામસર તળાવમાં છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર પંથકમાં થયેલી મેઘમહેર બાદ પણ પાણીનો સંગ્રહ અોછો થયો છે. તાજેતરમાં સુધરાઈ દ્વારા તળાવનું ખાણેત્રુ હાથ ધરાયુ હતું. તે ખાડા પૂરતા પાણી સિવાય તળાવમાં નીરની આવક ન્યુનતમ હોવા પાછળ આવ લઇ આવતા છેલ્લાઓ પર થયેલા દબાણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

અન્ય જવાબદાર પરિબળ તરીકે પૂર્વ પટ્ટાના ગ્રામ્ય વિસ્તારનું વરસાદી પાણી તળાવ તરફ દોરી આવતા વોકળાઓ પર બેજવાબદારી પૂર્વક બની ગયેલી સોસાયટીઓમાં થયેલા દબાણો અંતરાય ઉભા કરતા હોવાનું સપાટી પર આવ્યું છે ત્યારે નગરજનો પ્રશાસન પાસે શહેરની શાન સમા તળાવની માવજત સાથે આવ પર ઉભા કરાયેલા અવરોધરૂપ દબાણો હટાવાની કામગીરી હાથ ધરાય તેવું ઈચ્છી રહી છે.

અન્ય સમાચારો પણ છે...