બેઠક:મુન્દ્રા બારોઇ જમીન પ્રકરણે સંકલનની બેઠકમાં ખુદ સત્તાપક્ષનો વોક આઉટ

મુન્દ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મસમોટા કૌભાંડમાં સરકારી અધિકારીઓની ભૂંડી ભૂમિકાનો આક્ષેપ

મુન્દ્રા તાલુકામાં જવાબદાર અધિકારીઓ ગૌચર તેમજ બારોઇની લાખેણી જમીનો સમેત અનેક પડતર પ્રશ્નો મુદ્દે અરજદારોને દાદ ન આપવા ઉપરાંત ભ્રષ્ટાચાર કરતા હોવાના ખુલ્લા આક્ષેપ સાથે ખુદ સત્તાપક્ષના આગેવાનો એટીવીટી તથા ફરિયાદ નિવારણની બેઠકમાં થી એક તબક્કે વોકઆઉટ કરી જતાં સમગ્ર મામલો ગરમાયો હતો. ત્યાર બાદ જિલ્લા સ્તરે આવેલા દબાણ અને મહેસૂલ સંલગ્ન અધિકારીઓની સમજાવટ બાદ આગામી સાત દિવસમાં પ્રાંત કક્ષાએથી સૂચિત તમામ પ્રશ્નોને લઇ ઉચિત કાર્યવાહીનો કોલ આપવામાં આવતા બેઠક આગળ વધી હતી.

પ્રાંત કચેરીમાં સવારના આયોજિત એટીવીટીની બેઠક અગાઉ સત્તાપક્ષના પદાધિશોના આકરા તેવર નજરે આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન ચેતન ચાવડાએ ગૌચર પરના દબાણો દૂર કરવામાં પ્રશાસનની ઢીલી નીતિ તેમજ લેખિત સૂચનોના અભાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. જયારે સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા મુન્દ્રા બારોઇના જમીન કૌભાંડ મુદ્દે પાલિકાની સંનિષ્ઠ ભૂમિકા બાદ પણ મહેસૂલ ખાતા દ્વારા યોગ્ય દિશામાં તપાસ થતી ન હોવાનો સુર વ્યક્ત કરી આજ પર્યંત ડીઆઇએલઆર દ્વારા કૌભાંડી જમીનોની માપણી સુદ્ધાં કરાઈ ન હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

એટીવીટી સદસ્ય વિજયસિંહ જાડેજાએ મહેસૂલ ખાતું ભ્રષ્ટાચારને વરેલું હોવાનો ખુલ્લો આક્ષેપ કરી અધિકારીઓ સત્તાપક્ષને ગણકારતા ન હોવા ની લાગણી દર્શાવતાં તેની સાથે રહેલા અન્ય સદસ્યો વાલજી ટાપરીયા અને ચેતન ચાવડા સહિત સત્તાપક્ષના સર્વે આગેવાનો એક તબક્કે બેઠકમાંથી વોકઆઉટ કરી ગયા હતા.

ત્યાર બાદ ખુદ પ્રાંત અધિકારી પી. ટી. પ્રજાપતિ તથા મામલતદાર ચિરાગ નિમાવતે આગામી સાત દિવસમાં તમામ પ્રશ્નો અંગે ઉચિત કાર્યવાહી કરવાનો કોલ આપતાં રાબેતા મુજબ એટીવીટીની બેઠક ઔપચારિકપણે પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુન્દ્રા બારોઇના બહુચર્ચિત જમીન કૌભાંડમાં પ્રાદેશિક કક્ષા સુધી વ્યહવારો થયા હોવાનો ગણગણાટ કાને અથડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...