ફેરિયાઓએ ફરી કમઠાણ સર્જી:મુન્દ્રાના આઝાદ મેદાનમાં ખસેડાયેલા લારી ધારકો ફરી જુની જગ્યાએ ગોઠવાયા

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા-બારોઇ પાલિકા માટે ફેરિયાઓએ ફરી એકવાર કમઠાણ સર્જી
  • તાજેતરમાં પડેલા ​​​​​​​વરસાદના કારણે નવી શાકમાર્કેટ બેટમાં ફેરવાતા કંટાળીને પૂર્વવત થયા

મુન્દ્રા ના કોટ અંદરના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા આઝાદ મેદાનમાં ખસેડાયેલા લારીધારકોએ ફરી આજ સવારથી ઝંડા ચોક સ્થિત જૂની જગ્યાએ ગોઠવાઈ જવાની શરૂઆત કરતાં સુધરાઈ માટે ફરી કમઠાણ સર્જાવાની સ્થિતિ ઉદભવી છે.

આજ થી છ માસ અગાઉ કોટ અંદર છૂટક વેપાર કરતા સો થી વધુ લારીધારકોને ટ્રાફિક સમસ્યા હળવી કરવા નગર બહાર આવેલ પાંજરાપોળ વાડી નજીકના ખુલ્લા મેદાનમાં ખસેડાયા હતા.અને તે જગ્યા ને આઝાદ મેદાન નામ આપી રેંકડી ધારકો જેમાં મોટા ભાગના બકાલા ના ધંધાર્થીઓ છે તેમને રોડ રસ્તા તથા પાકા સ્ટોલની સુવિધાઓ આપવાની જાહેરાત સુદ્ધાં પાલિકાએ કરી હતી.

એટલે સુધી કે અદાણી ફાઉન્ડેશન દ્વારા 1.30 કરોડના ખર્ચે આઝાદ મેદાનના તમામ ધંધાર્થીઓને છાપરા સહિતના સ્ટોલ બનાવી આપવાનું ખાતમુહર્ત પણ કરાઈ ચૂક્યું હતું.પરંતુ આગોતરી આશંકા મુજબ સુધરાઈ સૂચિત જગ્યાએ એકત્રિત થતાં વોંકળા ના પાણી ની સમસ્યા હલ કરવામાં નિષ્ફ્ળ જતાં બે દિવસ અગાઉ ભારે વરસાદના કારણે નવી શાકમાર્કેટ બેટમાં ફેરવાઈ હતી.

જેને પગલે આજ થી અમુક લારીધારકોએ જૂની જગ્યાએ પગપેસારો કરતાં પાલિકા માટે ફરી વિકટ સ્થિતિ ઉભી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.સૂત્રોના જણાવ્યા મુજબ એકાદ બે દિવસમાં નવી શાકમાર્કેટના તમામ ફેરિયાઓ પૂર્વવત થવાની પેરવીમાં છે.

છ માસથી આઝાદ મેદાનમાં ધંધા વિહોણા થઇને પડ્યા છીએ, ગુજરાન કેમ ચલાવીએ
ઉપરોક્ત મુદ્દે જૂની જગ્યાએ ગોઠવાયેલા કેટલાક લારીધારકોનો રૂબરૂ સંપર્ક કરતાં તેમણે છ માસ થી આઝાદ મેદાનમાં ધંધા વિહોણા દિવસો પસાર કર્યા હોવાનો આંતર્નાદ વ્યક્ત કરી ગ્રાહકો ત્યાં સુધી પહોંચતા જ ન હોવાથી રોજ ત્રણ ચાર હજારનું બકાલું ફેંકવાનો વારો આવતો હોવાનું જણાવ્યું હતું.વિશેષમાં આજ પર્યત ફક્ત વાયદા થયા પરંતુ તેની અમલવારી ના કોઈ ઠેકાણાં ન હોવાનો આક્રોશ દર્શાવી હવે પાછું જૂની જગ્યાએ સ્થાયી થવાની લાગણી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...