સ્વસ્થ સમાજના ઘડતર માટે ભણતર જરૂરી હોવાનું સુફિયાણી વાતો તો દરેક મંચ પરથી કાને અથડાતી હોય છે.પરંતુ વિકાસની હરણફાળ ભરી ચુકેલા ઔદ્યોગિક નગર મુન્દ્રાના પછાત વિસ્તાર ગણાતા એવા મહેશનગર સ્થિત પ્રાથમિક શાળાના 267 વિદ્યાર્થીઓનું ભાવિ અનેક બુદ્ધિજીવીઓ અને રાજકીય હસ્તીઓની હાજરીમાં છેલ્લા ઘણા સમયથી ડામાડોળ હોવાનું નજર સમક્ષ તરી આવ્યું છે.
વિસ્તાર પૂર્વક સ્થિતિથી વાકેફ થઈએ તો નગરના વિકાસ પહેલા મુન્દ્રા સાડાઉ રોડ પર સરકારી સહાય રૂપે મળતા સો ચો વારના પ્લોટ વાળો મફત નગરી સમાન વિસ્તાર મહેશનગર તરીકે ડેવલોપ થયો .ત્યાં ચાર દાયકા અગાઉ 1981માં ગરીબવર્ગના બાળકોને એક થી આઠ ધોરણ સુધી શૈક્ષણિક સેવા આપતી મહેશનગર પ્રાથમિક શાળાનું સ્થાપન થયું.
જે અવિરતપણે કાર્યરત રહ્યા બાદ તેની સુધારણા અર્થે કચ્છ જિલ્લા પંચાયત દ્વારા 48.15 લાખની ગ્રાંટ ફાળવાઈ જેથી જૂની શાળાને ઘ્વસ્ત કરી ગત મેં 2022 માં તેનું મોટા ઉપાડે ખાતમુહર્ત પણ કરાયું.તેને આજે આઠ મહિનાનો સમયગાળો વિતી ગયા છતાં હજી નવનિર્માણ અર્થે એક ઈંટ પણ ન મુકવામાં આવતાં હાલ શાળામાં અભ્યાસ અર્થે જતા 267 છાત્રોના ભાવિ પર પ્રશ્નાર્થચિહન મુકાયું છે.સત્તાવાર માહિતી મુજબ હંગામી ધોરણે વિધાર્થીઓને નજીક આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં શિક્ષણ અપાઈ રહ્યું છે.
પરંતુ જગ્યા ફેર અને વિષમ પરિસ્થિતી ને કારણે કેવળ 65 છાત્રો કોલેજના પગથિયાં સુધી પહોંચતા હોવાના દુઃખરૂપ અહેવાલ સાંપડ્યા છે.ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા તાજા અપડેટ લેવાનો પ્રયાસ કરતાં આ હકીકત સામે આવી હતી.
સંલગ્ન ખાતાઓમાં અનેક લેખિત રજુઆતો છતાં પરિણામ શૂન્ય
ઉપરોક્ત મુદ્દે લડત ચલાવી રહેલા સામાજિક એકતા જાગૃતિ મિશનના રવજીભાઈ ચૂંઇયા અને બહુજન સમાજપાર્ટીના અશોક મહેશ્વરી એ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હંગામી ધોરણે અપાતા શિક્ષણની મુદત ગત નવેમ્બર માસમાં પૂર્ણ થયા બાદ સંસ્થાના સંચાલકોને વિનંતી કરી અવધિ વધારવામાં આવી હોવા પર ભાર મૂકી બાળકોના હિતમાં દરેક સંલગ્ન ખાતામાં શાળા નવનિર્માણ અંગે લેખિત રજુઆત કરાઈ હોવા છતાં પરિણામ શૂન્ય હોવાની લાગણી દર્શાવી હતી.
જિ. પ.નું જુની ગ્રાંટ લેસ ગઈ હવે અન્ય કોઈ ગ્રાંટમાંથી રકમ ફાળવવાનું આશ્વાસન
નગરપાલિકામાં મહેશનગરના વોર્ડમાંથી ચૂંટાયેલા મહિલા નાગરસેવિકા નિમિતાબેન પાતારીયાએ અગાઉ શાળા નવનિર્માણ માટે 48 લાખની ગ્રાંટ ફાળવાઈ હોવા પર પ્રકાશ ફેંકતા તે સમય મર્યાદા વિતી ગઈ હોવાથી લેસ ગઈ હોવાની લાગણી દર્શાવી હતી.અને તે અંગે તાજેતરમાં ફરી જિલ્લા પંચાયતના દ્વાર ખખડાવતાં હવે આગામી સમયમાં અન્ય કોઈ ગ્રાંટમાંથી રકમની ફાળવણી કરવા નું આશ્વાસન મળ્યું હોવાનું જણાવ્યું હતું.
મુન્દ્રા તા. પં.ની પ્રાથમિક શિક્ષણ શાખા ઇન્ચાર્જના હવાલે
સત્તાવાર માહિતી માટે મુન્દ્રા તાલુકા પંચાયત સ્થિત પ્રાથમિક શિક્ષણ શાખાનો રૂબરૂ સંપર્ક સાધતા ચાલુ ફરજ સમયે ખંડ પર અલીગઢી તાળું જોવા મળ્યા બાદ આંતરિક તપાસ કરતાં પ્રા શિક્ષણ અધિકારી ઉમેશ રૂગાણી પાસે અંજાર ના બે અને ભુજ મુન્દ્રા સમેત કુલ્લ ચાર સેજાનો ચાર્જ હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી.
હવે શાળાનું ભાવિ કચ્છ જિલ્લા પંચાયતના હાથમાં
ઘટનાક્રમ પર સવિસ્તાર પ્રકાશ પાડતાં તાલુકા પંચાયત બાંધકામ શાખાના ના કા ઈ ભરતભાઈ ગોરે છ માસ અગાઉ રૂબર્ન યોજના હેઠળ શાળા નવનિર્માણનું કામ હાથ ધરાયુ હતું.પણ તે સમયે ખોદકામ વેળાએ સૂચિત વિસ્તારમાં પાલિકાની પાણી અને ગટરની લાઈનો અવરોધ રૂપ બની હોવા પર ભાર મૂકી તે તબદીલ કરાય ત્યાં સુધી ડીસેમ્બરના અંતમાં અવધિ પૂર્ણ થતાં ગ્રાંટ લેપ્સ ગઈ હોવાથી ઠેકેદારોએ કામ પડતું મૂક્યું હોવા બાબત થી માહિતગાર કર્યા હતા.અને હવે અન્ય કોઈ ગ્રાંટમાંથી શાળા નિર્માણનું કામ શક્ય બને તે લાગણી સાથે તેનો સંપૂર્ણ દારોમદાર કચ્છ જિલ્લા પંચાયત પર હોવાનું જણાવતાં હાલ પૂરતો શાળા અને છાત્રોના ભાવિ પર પ્રશ્નાર્થ મુકાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.