બેદરકારી:મુન્દ્રા-બારોઇ પાલિકાનું સો કરોડનું જમીન કૌભાંડ અભેરાઈએ ચડ્યાનો વર્તારો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી જમીન પરત લેવાની કાર્યવાહીને બદલે જવાબદારીની ઠેલમઠેલ
  • પાલિકાના સત્તાધીશોએ કલેક્ટર કચેરી સામે કરેલું ધરણાનું એલાન પણ ઠંડીમાં થીજી ગયું

મુન્દ્રા-બારોઇને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ચૂંટાયેલી બોડી સત્તામાં આવતાની સાથે મુન્દ્રા અને બારોઇમાં વાડા રજીસ્ટરનો દુરૂપયોગ કરી આચરાયેલું સો કરોડનું જમીન કૌભાંડ છેલ્લા દોઢ વર્ષથી જવાબદાર ખાતાઓની ફેંકાફેંક વચ્ચે અભેરાઈએ ચડી ગયું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

સમગ્ર પ્રકરણને વાગોળીએ તો કૌભાંડના પ્રારંભેથી જ આકરા પાણીએ રહેલા સુધરાઈના સત્તાધીશોએ સામાન્યસભામાં સર્વાનુમતે 37 કૌભાંડી જમીનોની આકારણી રદ કરતો ઠરાવ પસાર કર્યો જેને અનુલક્ષીને પક્ષકારોએ અદાલતના દ્વારા ખખડાવ્યા મામલો રાજકોટ સ્થિત પ્રાદેશિક કમિશ્નર કચેરી સુધી પહોંચ્યો ત્યાંથી કૌભાંડીઓને વધુ એક તક આપી કુદરતી ન્યાયના નિયમને અનુસરી વધુ એક વાર સાંભળવાના આદેશો વછૂટ્યા એટલે સુધી કે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રાદેશિક કમિશ્નરને તાત્કાલિક ધોરણે કૌભાંડ સંબધિત અહેવાલ રજુ કરવાની તાકીદ સુદ્ધાં કરી પણ ત્યારથી આજ પર્યત કૌભાંડીઓની ફાઈલ સ્થાનિક મામલતદાર થી પ્રાદેશિક કમિશ્નર કચેરી વચ્ચે ગોથા ખાતી નજર આવે છે ત્યારે ખુદ મહેસુલ ખાતાને ગેરવલ્લે થયેલી સરકારી જમીનો ફરી અંકે કરી શ્રીસરકાર કરવામાં રસ ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

અા મુદ્દે મુન્દ્રા મામલતદાર વાઘજીભાઈ પટેલનો સંપર્ક કરતાં તેમણે હાલ આકારણી રદ થયેલી 37 પૈકી 18 મિલકત ધારકોએ સ્વેચ્છાએ જમીન સરન્ડર કરતાં તેને સરકાર હસ્તગત કરાઈ હોવા પર ભાર મુકી હવે ફરી પાલિકા કક્ષાએથી ફેર ચકાસણી વેળાએ કેટલા ઠરાવ રદ કરતો હુકમ જારી રહ્યો તેની માહિતી આવ્યા બાદ આગળની કાર્યવાહી વેગવંતી બનાવાનું જણાવ્યું હતું.

પાલિકાએ બીજી વખત પણ ઠરાવ રદ કરી અહેવાલ સુપ્રત કર્યા
શરૂઆતથી જ કૌભાંડ મુદ્દે આકરા તેવર દર્શાવનારા પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે પ્રાદેશિક કમિશ્નરના આદેશ બાદ બીજી વખત દરેકને સાંભળી સામાન્ય સભામાં ઠરાવ રદ કરાયો હોવાની લાગણી દર્શાવી તેની નકલ તમામ સંલગ્ન ખાતાને મોકલી અપાઈ હોવા પર ભાર મુક્યો હતો અને હવે પાલિકાની પ્રક્રિયા સંપૂર્ણપણે પુરી થઇ ગઈ હોવા છતાં મહેસૂલ ખાતું કૌભાંડીઓ વિરુદ્ધ પગલાં લેતું ન હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત કલેક્ટર કચેરી સામે પાલિકાના સત્તાધીશો દ્વારા કરાયેલ ધરણાના એલાન મુદ્દે વચ્ચે વિધાનસભાની ચૂંટણી આવી હોવાથી મોડું થયાનું જણાવી આગામી સમયમાં વિરોધનું આયોજન ઘડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...