મુન્દ્રા તાલુકામાં સામાન્ય પણે ઉગ્ર બનતી પર્યાવરણ ખાતા ની જાહેર સુનાવણીઓ વચ્ચે આજે તાલુકાના ધ્રબ સ્થિત અદાણી વિલ્મારના વિસ્તરણ ની લોકસુનાવણી સામાન્ય વિરોધ સાથે શાંતિપૂર્ણ પણે સંપન્ન થઇ હતી. વિલ્માર કંપનીની તદ્દન પછીતમાં વિશાળ શામિયાના માં 202 કરોડના માતબર ખર્ચે વિસ્તરણ પામવા જઈ રહેલા પ્રોજેક્ટ અંગે ની સુનાવણી પ્રક્રિયા ના પ્રારંભે જીપીસીબી બોર્ડના અધિકારી કે જી ચૌધરી તથા અધિક કલેક્ટર હનુમંતસિંહ જાડેજા ના ઉપસ્થિતીમાં સૂચિત પરિયોજના ની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી.
ત્યાર બાદ લોકો એ પોતાના વાંધા રજુ કરવાની શરૂઆત કરતાં એકલ દોકલ વ્યક્તિને બાદ કરતાં અગાઉ અદાણી ગ્રુપ ના પ્લાન્ટો સંદર્ભે પ્રબળ વિરોધ નોંધાવી ચૂકેલા લોકોએ આકસ્મિક પણે હૃદય પરિવર્તન થયું હોય તેમ કંપની ના સેવાકીય કાર્યો ની દિલ થી સરાહના કરી હતી.જયારે જિલ્લા પંચાયતના માજી સદસ્ય હાજી સલીમ જતે મુન્દ્રા ના 214 માછીમારો ને પાયાની સવલતો પુરી પાડવા પર ભાર મુક્યો હતો.
ઝરપરા ના નારાણ ગઢવી એ ધ્વનિ પ્રદુષણ સ્થાનિક રોજગારી તથા નદીના અવરોધાયેલા વહેણો વિષે સવાલો ઉઠાવ્યા હતા. ધ્રુવરાજસિંહ જાડેજા એ અદાણી ગ્રુપ સાથે જોડાયેલું વિલ્મર એકમ સીએસઆર ફંડ નો નહિવત ઉપયોગ કરી રોજગારી અંગે સ્થાનિકો સાથે અન્યાય કરતું હોવાની લાગણી દર્શાવી હતી.જેનો પ્રત્યુત્તર આપતાં વિલ્માર ના પ્રતિનિધીઓ એ આગામી પ્રોજેક્ટમાં તમામ બાબતો ધ્યાને લેવાની ખાતરી ઉચ્ચારી હતી.પર્યાવરણ સુનાવણી અંતર્ગત આસપાસના 21 ગામોના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.