કોરોનાકાળ બાદ કારમી બેકારી ને લઇ ચોમેર છેતરપિંડી ના કિસ્સાઓએ ચોમેર માઝા મૂકી છે તેમાં વળી ઔદ્યોગિક નગરી મુન્દ્રા મધ્યે તેવા પ્રકરણો અવિરતપણે જારી હોય તેમ ફરી એક જબ્બર નાણાંકીય કૌભાંડ સામે આવ્યું છે.જેમાં તગડા વ્યાજની લાલચ આપી એક ઈસમ લોકોની સાત કરોડ જેટલી માતબર રકમ ચાઉં કરી છુ થઇ જતાં લાલચુ રોકાણકારોને માથે હાથ દઈ કોઠીમાં આંસુડા સારવાનો વારો આવ્યો છે.
ઘટનાક્રમની સંપૂર્ણ વિગત મુજબ છ માસ અગાઉ મુન્દ્રા ના ભરચક વિસ્તાર એવા એસ ટી બસસ્ટેન્ડ નજીક ની મરીન હાઉસ બિલ્ડીંગમાં રંગીતા એન્ટરપ્રાઇઝ નામક પેઢી ના દ્વાર અત્યાધુનિક ઢબે ખુલ્યા હતા.ફૂલ ફરનીશ ઓફિસમાં એક લેડી રિસેપ્શનિસ્ટ એક માર્કેટિંગ એક્સિક્યુટિવ મહિલા સમેત ઓફિસના ગોવા મૂળના સંચાલક પેમ્ફલેટ અને સામાજિક મીડિયા ના માધ્યમથી નાણાંકીય રોકાણ પર તગડું વ્યાજ આપવાની લોભામણી ઓફર વહેતી કરી હતી.
પ્રાથમિક તબક્કે અમુક લોકોએ પેઢીમાં ધિરાણ કરતાં પ્રથમ મહીને હાથમાં અકલ્પનિય નગદ નારાયણ આવેલી જોઈ વાત વાયુ વેગે છેતરપિંડી નો ભોગ બનેલા મુખ્ય એકજ સમુદાયમાં ફેલાઈ હતી.અને જાણે તે સમાજની લાલચુ વ્યક્તિઓનો રાફડો ફાટ્યો હોય એમ મોટા ભાગે આફ્રિકા અને કેનેડા ખાતે ધંધાર્થે ગયા બાદ પરત ફરેલા એન આર આઈ ઓએ લેભાગુઓ નું ધારણા મુજબ સૂચિત પેઢીને નાણાં થી છલકાવી નાખી.ભોગ બનનારાઓમાં મુન્દ્રા સિવાય ભુજ,માધાપર,ભારાપર ગામોના અનેક લોકો પણ સામેલ છે.એટલે સુધી કે મહિલાઓએ પોતાના પતિથી છુપાવી ને પોતાની સ્થાપિત મરણમૂડી સુદ્ધાં પેઢી સમક્ષ ધરી દીધી.હવે છેલ્લા કેટલાક દિવસો થી પેઢીની ઓફિસ તો ખુલ્લી છે પરંતુ તેના મુખ્ય સંચાલક ગોવા ભાગી ગયા છે.
લોકોના મોબાઈલ ફોન પણ રેગ્યુલર ઉપડે છે પણ નાણાં પરત કરવા મુદ્દે તારીખ પર તારીખ મળતી હોવાથી ભોગગ્રસ્તો ની સહન શક્તિ ખૂટી અને ભોગગ્રસ્તોને મોર કળા કરી ગયો હોવાનું પ્રતિત થતાં તેમણે નામ ન આપવાની શરતે પોતાની હૈયાવરાળ ભાસ્કર સમક્ષ ઠાલવી છે.આમ સરવાળે ચીટિંગ ની રકમનો ચોક્કસ આંક મળવો તો મુશ્કિલ છે પણ સૂત્રો પેઢીએ અંદાજિત સાત કરોડનું ઉઠમણું કર્યું હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે.
આમ લોભામણી ઓફર આપી લોકોને શીશા માં ઉતાર્યા
પ્રથમ પેમ્ફલેટ વહેતા કર્યા બાદ એક ચોક્કસ સમાજમાં સામાજિક મીડિયા ના માધ્યમથી મેસેજ ફરતો કરાયો જેમાં જેમાં રોકાણ કરનાર ને એક લાખ ઉપર પ્રથમ મહીને 38 ટકા દ્વિતીય માસે 20 ટકા અને ત્રીજા મહીને થી રકમ ન ઉપાડો ત્યાં સુધી નિરંતર માસીક પાંચ ટકા વ્યાજ ની ઓફર કરવામાં આવી.
એક વિદેશ થી રિટર્ન થયેલા યુવાને પ્રથમ અખતરા રૂપે લાખ રૂ ની મૂડી રોકી જેને વેળાસર પ્રથમ મહીને 38000 બીજા મહીને 20000 હજાર બાદ દર માસાંતે 5000 જેટલી તગડી રકમ હાથમાં આવવા લાગતાં તેની દાઢ સળકી અને પછી જાણે લાલચુઓની લાઈન લાગી તેણે પોતાની સમગ્ર બચત તો પેઢીને ધરી દીધી પરંતુ પોતાના સગા સબંધીઓ મિત્ર વર્તુળ ને પણ હોમી દીધા વાત ફેલાતી ગઈ તેમ પછી મુન્દ્રા સિવાય જિલ્લાના વિવિધ ગામના લોકો પણ બચાવેલી રકમની ગાંઠડીઓ લઇ રોકડી કરવા નીકળી પડ્યા અને હાલ કોઠીમાં મોઢું સંતાડવાનો વારો આવ્યો છે.કારણકે જૂજ લોકોએ જ વ્હાઇટ ના કઈ શકાય તેવા નાણાં રોક્યા છે.જયારે મોટો સમૂહ કાળા નાણાં ધીરનારાઓનો છે.જેમની પાસે પુરાવા રૂપે પેઢીના નામ ની રશીદ તો છે.પણ હવે નથી ફોજદારી ફરિયાદ કરી શકતા અને કોઈને કહેવા જાય તો હાંસીને પાત્ર બને છે.આ નબળાઈ નો લાભ પેઢીના સંચાલકે સારી રીતે ઈરાદા પૂર્વક ઉપાડ્યો છે.
અમારો બોસ નાણાંનું રોકાણ શેર બજારમાં કરતો હતો : સ્થાનિક પેઢી સંચાલક
સૂચિત પેઢીની દેશના વિવિધ શહેરોમાં શાખાઓ છે તે પૈકી મુન્દ્રા બ્રાન્ચના સંચાલક મુહિદ માધવાણી (રહે ગોવા-મહારાષ્ટ્ર)નો મોબાઈલ પર સંપર્ક સાધી ઘટનાક્રમ અંગે માહિતગાર થવાનો પ્રયાસ કરતાં તેણે પ્રથમ લોકોના નાણાં ડૂબ્યા હોવા અંગે સમર્થન આપ્યું હતું.પરંતુ તેનો આંક બે કરોડ ની આજુબાજુ હોવા પર ભાર મૂકી પોતે ફક્ત કમિશન એજન્ટ હોવાની ચોખવટ કરી હતી.
મુન્દ્રામાંથી ઉસેડેલા તમામ નાણાં ગોવા સ્થિત તેના બોસ જય ગોહિલ ના ખાતામાં જમા કરાવ્યા હોવા નો જણાવી તે હાલ ગાયબ થઇ ગયો હોવાનો બચાવ રજુ કર્યો હતો.વિશેષમાં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પ્રક્રિયા જારી હોવા સાથે લોકોને પોતાના નાણાં પરત મળી જવાનું આશ્વાસન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.