હાલ ઔદ્યોગિક નગરીમાં ગણના પામતા મુન્દ્રામાં શાકભાજીના ભાવો ભુજ અને અંજારની સરખામણી ઉપરાંત અત્યંત મોંઘા એવા ગાંધીધામ શહેર કરતા પણ વધારે હોવાથી ગૃહિણીઓ નું બજેટ ખોરવાયું હોવાનો કકળાટ ચોમેર થી કાને અથડાઈ રહ્યો છે.
સ્થાનિકેની નવી શાકમાર્કેટમાં તદ્દન પાંખી આવજા વચ્ચે મહિલાઓએ 200 રૂ કિલો વેંચાતા લીંબુ અંગે હૈયાવરાળ ઠાલવવાની શરૂઆત કરતાં સીઝનમાં 40 રૂ સુધી મળી રહેતાં ગુવાર અને ફુલાવરના ભાવ પ્રતિ કિલો 100 રૂ પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું.
તેમજ કાંદા અને બટાટા સિવાય દરેક બકાલાના ભાવ અન્ય શહેરોથી સરેરાશ બમણાં હોવાની લાગણી સાથે મધ્યમ વર્ગનું બજેટ બકાલા ના કારણે ડામાડોળ થતું હોવાની લાગણી દર્શાવી હતી.ઉપરોક્ત મુદ્દે બકાલીઓએ માવઠા બાદ હજી પણ ભાવોમાં ઉછાળો આવવા ની દહેશત વ્યક્ત કરી હતી.જ્યારે અઠવાડિયા બાદ મુસ્લિમ બિરાદરો નો પવિત્ર રમઝાન માસ શરૂ થતો હોઇ ફૂટ ના ભાવ રાબેતા મુજબ બમણાં કરી નાખવામાં આવતા હોવાનુ સર્વવિદિત છે. ત્યારે પુરવઠા ખાતું સક્રિય બની ઉપરોક્ત મુદ્દે નિયંત્રણ લાદવાનો પ્રયાસ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
ઉત્પાદન ઘટતાં કિંમતમાં વધારો આવ્યો હોવાના અહેવાલ
બકાલાના વિક્રેતા હિંમતસિંહ સોઢાએ પ્રકાશ પાડતાં શિયાળો પૂર્ણ થયે તાપમાન ઉંચકાતા લીલા શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું હોવાથી ભાવોમાં ઉછાળો આવ્યો હોવાનું જણાવી હવે ચોમાસા સુધી ચોમાસા સુધી સમાન સ્થિતિ રહેવા ની માહિતી આપી હતી.વિશેષમાં હાલ તાલુકામાં સામાન્ય રહેલા માવઠાં ની નહિવત અસર રહેવા સાથે હવે જો તેમાં વધારો થાય તો કેરીના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.