મુન્દ્રાનો વિકાસ થયા બાદ ચોમેર અતિક્રમણે માઝા મૂકી છે. છતાં આજ સુધી પ્રશાસન નિંદ્રાધીન અવસ્થામાં હોવાનું પ્રતીત થતું હતું. પરંતુ બે દિવસ અગાઉ થયેલ ખૂની હુમલાના બનાવને કારણે સફાળા જાગેલા તંત્રએ અચાનક ડાકબંગલા વાળા નદીના પટમાંથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરતાં સ્થળ પર લોકોના ટોળાં એકત્રિત થયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ બપોરે ત્રણ વાગ્યાથી પાલિકા અને પોલીસ દ્વારા સહિયારી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. અને નદીના પટમાં આવેલ ગરમ કપડાંનું વેચાણ કરતા ઠેલાઓ, નાસ્તાની હાથલારીઓ, વિવિધ કેબિનો તેમજ એક પાકા ઓરડા સમેત અંદાજિત 80 કાચા પાકા દબાણો દૂર કરાયા હતા.
સૂચિત વિસ્તાર પરપ્રાંતીયો તથા અસામાજિક તત્વોનો અડ્ડો હોવાથી અહીંથી સમયાંતરે અનેક ગેરપ્રવૃત્તિઓ સામે આવતી હોય છે. ઉપરાંત તાજા બનાવમાં એક સ્થાનિક યુવાને પરપ્રાંતીયને છરી ઝીંકી દેતાં ભોગગ્રસ્ત નાજુક હાલતમાં સારવાર હેઠળ છે.
ત્યારે પશ્ચિમ કચ્છના ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજાની મુન્દ્રા મુલાકાત વેળાએ આ સ્થળેથી દબાણોનો સફાયો કરવાનો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉપરોક્ત કામગીરી વેળાએ સ્થાનિક પીઆઈ એચ.એસ. ત્રિવેદી તેમજ પોલીસ સ્ટાફ સમેત પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર કારોબારી ચેરમેન ડાયાલાલ આહિર હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.