આઝાદી પહેલાં ઇસ 1908 માં મુન્દ્રા તાલુકાના ખાખર સ્થિત જૈન દાતા રાણશી દેવરાજને વતનના બાળકો માટે કઈંક કરી છૂટવાનો વિચાર સ્ફૂર્યો અને તેમણે તે સમયે આપેલા 5000 રૂ ના અમૂલ્ય ફાળા થી શિક્ષણ ની જ્યોત પ્રજ્વલિત કરનાર પ્રથમ અંગ્રજી માધ્યમ ની શાળા થી આર ડી એજ્યુકેશન ટ્રસ્ટ ની સ્થાપના થઇ જે આજે 114 વર્ષના લાંબા સમયગાળા બાદ કન્યા વિદ્યાલય,પીટીસી,બીએડ,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ઉચ્ચતર માધ્યમિક શાળા સમેત વિશાળ વટવૃક્ષ માં તબદીલ થઇ છે.
ત્યાર બાદ જૈન દાતાઓના થકી આજે ચાર કરોડ ના ખર્ચે નિર્માણ પામેલ શ્રી કુંવરજી નાનજી કેનિયા નૂતન વિદ્યાભવનને વિધાનસભા ના સ્પીકર નીમાબેન આચાર્ય અને સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ખુલ્લું મુકાયું હતું.સમારોહને સ્ટાર્ટ આપતાં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જેસરે સંસ્થાના પ્રારંભ થી અંત સુધી ની રૂપરેખા વર્ણવી આગામી વર્ષમાં દાતાઓના સહયોગથી પાંચ કરોડના ખર્ચે આરડી ઉચ્ચતર માધ્યમિક ભવન ને નવા રંગરૂપ આપવાનું જાહેર કરતાં વિશાળ શામિયાણુ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું.
નીમાબેન આચાર્ય એ આરડી એજ્યુકેશન ટ્રસ્ટ ને સંસ્કાર,શિક્ષા અને ચારિત્ર્ય ઘડતર નો ત્રિવેણી સંગમ સંગમ ગણાવી સર્વે સંચાલકો ને ધન્યવાદ આપ્યા હતા.વિશેષમાં સંસ્થાપકોની માંગને અનુલક્ષી ને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ની ફાળવણી અર્થે સનિષ્ઠ પ્રયાસ કરવાની ખાત્રી આપી હતી.ત્યાર બાદ નૂતન ભવનના નિર્માણ માં આર્થિક સહયોગ પૂરો પાડનાર દાતાઓને શાલ ઓઢાડી સન્માનવામાં આવ્યા હતા.હાલ જાહેર થયેલા દસમા અને બારમા ના પરિણામો ને અનુલક્ષી ને તેજસ્વી છાત્રો ને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા.
કાર્યક્રમ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને દાતા દામજીભાઇ એન્કરવાલા,મેનેજીંગ ટ્રસ્ટી કેકીનભાઈ છેડા,સ્વ કુંવરજીભાઇ કેનિયા પરિવાર,સેઝના સીઈઓ રક્ષિત શાહ,કચ્છ યુનિવર્સીટી ના ડો દર્શનાબેન ધોળકીયા પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર ચેરમેન ડાયાલાલ આહીર સંસ્થાની વ્યવસ્થાપક સમિતિના સદસ્યો,વિવિધ શાળાઓના આચાર્ય તથા તમામ કર્મચારીઓ અને નગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ઉદ્ઘાટન ની પૂર્વ સંધ્યાએ નગરના ઝંડા ચોક ખાતેથી વાજતે ગાજતે નીકળેલી વિશાળ જન જાગરણ યાત્રા માં મોટી સંખ્યામાં માનવ સમૂહ જોડાતાં તે નગરજનો માટે આકર્ષણ રૂપ બની હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.