અગાઉ રાષ્ટ્રીયકૃત ખાનગી બેંકો થી પણ વધારે વિશ્વાસપાત્ર ગણાતી પોસ્ટ ઓફિસનો વહિવટ વિવિધ કારણોસર વિવાદમાં રહેતો હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે પંચરંગી પ્રજા થી ધમધમતી બંદરીય નગરી મુન્દ્રામાં છેલ્લા ચાર દિવસથી સ્થાનિક પોસ્ટ ઓફિસનું સર્વર ઠપ્પ થતાં દૂરસંચાર સેવા ઠપ્પ થઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સૂચિત કચેરીમાં સેવાઓ અંગે સમયાંતરે ફરિયાદો ઉઠતી રહે છે જેથી પ્રથમ દિવસ લોકોએ જતું કરવાનું વલણ અપનાવતાં ઉપરોક્ત સ્થિતિ અંગે હોબાળો થયો ન હતો.પરંતુ બે કે ત્રણ નહીં પરંતુ સતત ચોથા દિવસે પણ પરિસ્થિતી યથાવત રહેતાં મામલતદાર કચેરી,પ્રાંત ઓફિસની ટપાલો તથા વકીલોની રોજિંદી નોટિસો અને સ્પીડ પોસ્ટ અટવાઈ હોવાના અહેવાલ સાંપડ્યા હતા.વધારામાં નાણાં ની ઉપાડ કરવા ઇચ્છુક ખાતાધારકોને પણ ધરમધક્કા સાથે વિલા મોઢે પરત ફરવાની ફરજ પડતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી.
બનાવ સંદર્ભે પોસ્ટ ઓફિસનો રૂબરૂ સંપર્ક સાધતા સબ પોસ્ટ માસ્ટર મહેશભાઈ મહેશ્વરીએ સમસ્યા અંગે સમર્થન આપતાં પીજીવીસીએલના વોલ્ટેજ ની વધઘટ ને કારણે સર્વર પ્રભાવિત થઇ ક્ષતિગ્રસ્ત થયું હોવાનું કારણ દર્શાવી ભુજથી મેકેનિક બોલાવાયા હોવાનું જણાવી એકાદ બે દિવસમાં સેવા નિયમીત થવા પર ભાર મુક્યો હતો.અત્રે નોંધનીય છે કે ખાનગી સંસ્થાઓ ગ્રાહકો ને સર્વિસ આપવા માટે સદાય તત્પર રહેતી હોય છે.ત્યારે નગરથી પાંચ કિમી દૂર કપાયા ખાતે પોસ્ટ ઓફિસની અન્ય બ્રાન્ચ આવેલી છે માટે આપાતકાલીન સંજોગોમાં ત્યાંથી સેવા આપવાની વ્યવસ્થા ઉભી કરવાની લોકમાંગ ઉઠી છે. છાશવારે સર્વર ડાઉન રહેતા લોકોના કામો અટકી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.