મુન્દ્રામાં કોટ અંદરના લારીધારકોનું આઝાદ મેદાનમાં સ્થળાંતર થયા બાદ અતિ વિકસિત એવા નગરના પરા સમાન બારોઇ રોડ પર વધતું જતું દબાણ દૂર કરવાની અનેક ફરિયાદોને અનુલક્ષીને દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં હરકતમાં આવેલી પાલિકાએ સૂચિત વિસ્તારમાં દુકાનો ધરાવતા વેપારીઓને સ્વેચ્છાએ દબાણ હટાવા ત્રણ દિવસની મહેતલ આપતાં સોપો પડી ગયો છે.
હાલ બારોઇ રોડ પર જૂની ગ્રામપંચાત નજીક આવેલા શિશુ મંદિર પાસેથી મુન્દ્રાના પ્રવેશદ્વાર તાલુકા પંચાયત ગેટ સુધી ચોમેર ઠંડા પીણાં,નાસ્તા વાળા અને બકાલું વેંચતા રેંકડી ધારકોએ ભારે પ્રમાણમાં દબાણ કર્યું હોવાનું નરી આંખે જોઈ શકાય છે. કેટલાક કિસ્સામાં તો ખુદ વેપારીઓ તગડું ભાડું વસૂલી પોતાની દુકાન આગળ નાના ધંધાર્થીઓને દબાણ કરવા લીલી ઝંડી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ મુખ્યત્વે બારોઇ રોડના પ્રારંભથી અંત સુધી ચોમેર લાખેણી દુકાનો બહાર ફૂટપાથ સુધી પાંચ મીટરમાં દબાણોનો ખડકલો નજરે આવે છે ત્યારે હવે પાલિકાએ અતિક્રમણકારો સામે લાલ આંખ કરી છે.
જવાબદારીનો ખો અપાતો હોવાની ફરિયાદ ઉઠી
માર્ગ પરના કેટલાક વેપારીઓની રૂબરૂ મુલાકાત લેતાં અમુકે ભાડું લઇ ધંધાર્થીઓને પોતાની દુકાન બહાર ધંધો કરવાની છૂટ આપી હોવાનું સામે આવ્યું હતું. જયારે અમુક જગ્યાએ રાજકીય પીઠબળ ધરાવતા કેટલાક તત્વો દાદાગીરી પૂર્વક દબાણ કરાવી લારીધારકો પાસેથી પોતે ભાડું ઉઘરાવતા હોવાનો સૂર સાંભળવા મળ્યો હતો.
સુધરાઈએ પણ લારીધારકોને સાર્વજનિક પ્લોટમાં ખસેડવાનો કોલ આપ્યો હતો
હાલ ગૌરવપથના નિર્માણ માટે આરએન્ડબી ખાતું હરકતમાં આવી દબાણો હટાવા પ્રયાસ કરી રહ્યું છે પરંતુ કોટ અંદરના રેંકડી ધારકોને આઝાદ મેદાન માં ખસેડાયા ત્યારે સુધરાઈ દ્વારા બારોઇ રોડના દબાણકારોને પણ સોસાયટી વિસ્તારના સાર્વજનિક પ્લોટમાં ખસેડવાનો કોલ આપ્યો હતો.લોકો તેની પણ અમલવારી ઈચ્છી રહ્યા છે.
ગૌરવપથના નિર્માણ માટે ચોખ્ખો માર્ગ સુપ્રત કરાશે
માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ફેનિશ શેઠિયાએ ગૌરવપથના નિર્માણ માટે સુધરાઈએ માર્ગ ચોખ્ખો કરવાની દરખાસ્ત મૂકી હોવા બાબત પર પ્રકાશ પાડતાં તેને અનુલક્ષીને આર એન્ડ બી દ્વારા બારોઇ રોડ પરના દબાણો નિયત સમય મર્યાદામાં હટાવી રસ્તો અતિક્રમણ વિહોણો કરી પાલિકા હસ્તક માર્ગ તબદીલ કરવાનું જણાવ્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.