રેતી ચોરી નો વણથંભ્યો સિલસિલો:હવે ભોરારાનો અંતરિયાળ વિસ્તાર ખનીજ માફિયાઓના નિશાના પર

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેતી ઉલેચવા આડખીલી રૂપ વૃક્ષોનું પણ નિકંદન થતું હોવાનું દેખાઈ આવ્યું

મુન્દ્રા પંથકમાં રેતી ચોરી નો વણથંભ્યો સિલસિલો અવિરતપણે આગળ ધપી રહ્યો હોવા થી મોટા ભાગના લોકો વાકેફ છે ત્યારે તેનો રેલો મુન્દ્રાના ભૂખી નદીના પટ થી વાયા ટોળા થઇ છેક ભદ્રેશ્વર સુધી લંબાયા બાદ હવે તાલુકા મથક થી સાત કિમી દૂર અંતરિયાળ ગામ ભોરારા સુધી વિસ્તર્યો હોવાનું સપાટીએ તરી આવ્યું છે.

ગામના સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા એક માસ થી મુખ્ય માર્ગો ની નદીના પટ પર પોલીસ ની ઘોંસ વધતા રોડ થી ખાસ્સી અંદર આવેલી ભોરારા સીમને ખનીજ માફિયાઓ એ નિશાન બનાવી છે.અને ત્યાં પુરબહાર માં રેતી ઉપડતી હોવા ઉપરાંત ખનીજ ની જરૂરિયાત પુરી કરવા આસપાસના વૃક્ષો નું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી માહિતી સાંપડી છે.વિશેષમાં સૂચિત જમીન નો અમુક ભાગ પણ જંગલ ખાતા હસ્તક હોવાના આક્ષેપો ઉઠયા છે.

સામાજિક વનીકરણની જમીન ફરી ગ્રા.પં.ને સોંપાઈ ગઈ
ઉપરોક્ત મુદ્દે મુન્દ્રા સ્થિત જંગલખાતા ની કચેરીએ આર એફ ઓ નો રૂબરૂ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમણે હાલ ચાર્જ લીધો હોઈ મળી શક્યા ન હતા.પરંતુ સ્ટાફ ના સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી મુજબ ભોરારા ની સૂચિત જમીન અગાઉ સામાજિક વનીકરણ માટે જંગલખાતા હસ્તક હતી,પરંતુ વૃક્ષો નું વાવેતર કરી પાંચ વર્ષ જાળવણી બાદ તેને ફરી ગ્રામપંચાયત ને સુપ્રત કરાઈ હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ ગતિવિધી સંદર્ભે ભોરારા સરપંચ શક્તિસિંહ જાડેજા નો સંપર્ક સાધતા તેમણે ઘટના સંદર્ભે તદ્દન અજાણતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...