વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઅે માંડવી મત વિસ્તારના મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુર અને અબડાસા મત વિસ્તારના નખત્રાણા ખાતે સભા સંબોધી હતી. 2017 બાદ 2022માં પણ ફરી ચૂંટણી પ્રચાર અર્થે મુન્દ્રા આવેલા મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે મોટી ભુજપુર મધ્યે પોતાની ઓળખ ઉપસ્થિત ભાઈઓ બહેનો સમક્ષ ‘મામા’ તરીકે આપી જનમેદનીને સંબોધી પ્રથમ વર્તમાન સરકારના વિકાસ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો.
ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી- ભાજપને કલ્પવૃક્ષ ગણાવી લોકો જે ઈચ્છે તે ફળ આપવાની લાગણી વ્યક્ત કરી વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને શાબ્દિક ચાબખા વિંઝ્યા હતા. બંને પક્ષના જૂઠાણાં ફેલાવતા પક્ષ દર્શાવ્યા હતા. વિશેષમાં ભવિષ્યમાં ક્યારે પણ નર્મદાના ઉદગમસ્થાન મધ્યપ્રદેશથી ગુજરાતના મુન્દ્રા સુધી નહેર વાટે આવતા નીરને અવિરતપણે વહેતા રાખવાનો વાયદો કરી સ્થાનિક ભાજપી ઉમેદવારોને ચૂંટી કાઢવાની અપીલ કરી હતી.
અબડાસા મત વિસ્તારના નખત્રાણામાં પોતાની બીજી ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા શિવરાજસિંહે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગુજરાતને નર્મદાના અભિષેકથી નવાજવા માંગે છે. હવે તો કચ્છના છેવાડા સુધી નર્મદાના જળ પહોંચતા થયા છે. નર્મદાના નીરથી કચ્છના ખેડૂતોની તકદીર અને પશ્ચિમ કચ્છની તસવીર બદલી જશે. તેમણે કોંગ્રેસ અને અામ અાદમી પાર્ટીને અાડેહાથ લેતાં કહ્યું હતું કે, વિરોધીઅોને માત્ર વિરોધ કરવા સિવાય કોઇ મુદ્દો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.