અહીંના ઉમિયા નગરમાં નંદી વચ્ચે ખેલાયેલા દ્વંદ્વ યુદ્ધ ના પરિણામ સ્વરૂપ એક બળદ નજીક આવેલા સો ફૂટ ઊંડા કુવામાં પટકાતાં સ્થળ પર લોકોનું ટોળું જમા થઇ ગયું હતું. બનાવને પગલે ગૌસેવા ટ્રસ્ટના નારણભાઇ ગઢવી ઉપરાંત મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ સુદ્ધાંને ઘટના સ્થળે દોડી જવું પડ્યું હતું. ત્યારબાદ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવતાં થોડીવારમાં જ ઇજજાઓ ઉપરાંત ગેસ ગળતર ને કારણે નંદી મહારાજે દમ તોડ્યો હતો.
અત્રે નોંધનીય છે કે પાલિકા વિસ્તારમાં 400 થી વધુ નધણિયાતા પશુઓ બેખોફ થઇ વિચરે છે. ઉપરોક્ત કિસ્સામાં ખુદ બળદ અકસ્માત નો ભોગ બન્યો હતો.ત્યારે આગામી સમયમાં કોઈ રાહદારી કે અન્ય વ્યક્તિ તેમની હડફેટે ચડે તે પહેલાં સુધરાઈ દ્વારા આ દિશામાં નક્કર કામગીરી અત્યંત આવશ્યક બની હોવાની માંગ ઉઠી છે.
લારીધારકો અને રહીશો દ્વારા ફેંકાતી એંઠવાડ પશુઓને આકર્ષે છે
વિશેષમાં કોટ અંદર તેમજ બારોઇ રોડ વિસ્તારમાં બેજવાબદારી પૂર્વક માર્ગ પર એંઠવાડ ફેંકતા રહીશો ઢોરોને આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું સપાટીએ તરી આવ્યું છે.ગ્રામપંચાયતના શાસનકાળમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કચરાના નિકાલ અર્થે ડોનેટ કરાયેલ ડસ્ટબીન નું હાલ અસ્તિત્વ દેખાતું નથી .ત્યારે વિકાસના દાવા કરતી પંચાયત રોડ પર એંઠવાડ ઠાલવતા જવાબદારો વિરુદ્ધ પગલાં લઇ પશુઓ મુદ્દે કોઈ નક્કર આયોજન કરે અને પંથકમાં ચોમેર ફેલાયેલા ઉદ્યોગો પાસેથી ગામના હિતમાં ડસ્ટબીન ની વ્યવસ્થા ઉભી કરે તેવી અપેક્ષા લોકો સેવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.