ભારતમાં પારસી સહિતના ધર્મ તથા અનેક સમાજ પોતાની ઘટતી જતી વસતીથી પરેશાન છે. અને સમાજ અને ધર્મને ટકાવી રાખવા મથામણ કરી રહ્યા છે. અાવી જ અેક સમસ્યા મુન્દ્રા તાલુકામાં બારોઇ કચ્છી વિસા ઓસવાળ જૈન સમાજમાં ઊભી થઇ છે. તેથી હવે સમાજમાં વસતી વધારવા નવતર પહેલ શરૂ કરી છે. પ્રતિદિન ઘટતી જતી વસ્તીમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે બારોઇ કવિઓ જૈન સમાજે ઐતહાસિક નિર્ણય લઇ સંતાનની વૃદ્ધિ સમાજની સમૃદ્ધિ અભિયાન હાથ ધરી સમગ્ર જિલ્લાના જૈનો માટે એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અા યોજનાના ભાગરૂપે સમાજમાં બીજા અને ત્રીજા સંતાનના જન્મ બાદ અેક લાખ અને દર જન્મ દિવસે 50 હજાર મળી 18માં વર્ષ સધુ કુલ 10 લાખની સહાય અપાશે. અા યોજનાની પત્રિકા સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈગરા કવિઓ જૈન મહાજને શરૂ કરેલા મિશન મુજબ યુવા વર્ગને પ્રોત્સાહન આપવા સાથે આર્થિક રીતે સહયોગી થવાની નેમ સાથે નવ પરણિત દંપતી ને બીજા સંતાન ના જન્મ વખતે રૂ એક લાખ અઢાર વર્ષ સુધી જન્મદિન નિમિતે 50000 મળી ત્રીજા સંતાન સુધી તબક્કાવાર કુલ્લ દસ લાખની સહાય આપવાનો નિર્ણય લીધો છે.
હમ દો હમારે તીનના સૂત્ર અંતર્ગત ઉપરોક્ત યોજના નો લાભ 1-1-23 પછી જન્મેલા દરેક બીજા સંતાનને મળશે. તેમજ ત્રીજા સંતાન માટે પણ સમાન યોજના લાગુ પડશે. આંતરિક વર્તુળો માંથી સાંપડેલી માહિતી મુજબ ટૂંક સમયમાં મુન્દ્રા તાલુકાના 42 ગામોના મહાજન સૂચિત સમાજલક્ષી યોજના ને હોંશભેર વધાવી તેનું અનુકરણ કરશે .
જીણવટ ભર્યા અભ્યાસ બાદ વસ્તી ઘટાડો નજર સમક્ષ તરી આવ્યો
સંકળાયેલા લક્ષભાઈ કેનિયાએ સમાજના નોંધણી પત્રક પરથી છેલ્લા ત્રણ વર્ષમાં બારોઇ જૈન મહાજનની વસ્તીમાં દસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. વિશેષમાં પરિવાર સિમિત થતાં આગામી સમયમાં માતા-પિતાની દરકાર કોણ કરશે જેવી સંવેદનશીલ બાબતોને નજરમાં રાખી ઉપરોક્ત અભિયાન હાથ ધરાયાનું જણાવ્યું હતું.
આગામી 50 વર્ષમાં જ સમાજના અસ્તિત્વ પર ખતરો દેખાયો
વર્ષોથી ભણતર અંગે સહાય મેળવવા આવતા સમાજના છાત્રોમાં અચાનક ઘટાડો દેખાતા સર્વે હાથ ધરાયો હતો. જેના આધાર પર આગામી પચાસ વર્ષમાં સમાજના અસ્તિત્વ પર ખતરો હોવાનું ભય દેખાતાં મિશનને ઓપ અપાયો છે. હાલ કારકિર્દી કંડારવા પાછળ ઘેલું થયેલું યુવાધન સંયુક્ત સમાજની ભાવના ને ભૂલી રહ્યું છે ત્યારે જાગૃતિ લાવવાના આશય સાથે ફક્ત જૈન નહીં સમસ્ત હિન્દૂ સમાજને વસ્તી વધારા અંગે નિયત રૂપરેખા ઘડી કાઢવી જરૂરી છે. - ડો કલ્યાણજીભાઈ કેનિયા, પ્રમુખ બારોઇ કવિઅો મહાજન (મુંબઇ)
અંદાજિત ચારસો ઘરમાંથી 800 વ્યક્તિઓ ઓછી થઇ હોવાના અહેવાલ
વિશેષમાં બારોઇ સમેત મૉટે ભાગે મુંબઈ મધ્યે ધંધાર્થે વસેલા બારોઇ જૈન મહાજનના અંદાજિત ચારસો ઘર આવેલા છે. તેમાંથી સર્વે હાથ ધરાતાં હાલ આઠસો વ્યક્તિઓ ઓછી થઇ હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડ્યા હતા. જયારે બીજી તરફ નવી પેઢી બે બાળકો બસને વળગી રહી હોવાની બાબતે વસ્તી ઘટાડામાં અહમ ભૂમિકા ભજવી હોવાથી મિશન સક્રિય કરાયું છે.
ફંડ સમાજની સમૃદ્ધ વ્યક્તિઓ પૂરું પાડશે
લક્ષ્યભાઈના જણાવ્યા મુજબ અભિયાન દરમ્યાન જોઈતું ભંડોળ સમાજના આર્થિક રીતે સધ્ધર લોકો પાસેથી એકત્રિત કરવાનું નક્કી કરાયું છે. જેમાં ચોતરફથી સકારાત્મક પ્રતિસાદ સાથે સહયોગી થવાની હામી ભરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.