મુન્દ્રાની બી. એડ. કોલેજમાં ડ્રોન સહિતના સાધનો સાથે આધુનિક અભ્યાસ કરાવવામાં અાવશે અને છાત્રો જાતે જ સ્મોલ પ્રોજેક્ટ તૈયાર કરશે. સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓને તાલીમ આપીને અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્યને ખીલવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા ઇનોવેશન ક્લબ નામના પ્રકલ્પની શરૂઆત કરાઇ છે.
જે અંતર્ગત મુન્દ્રાની બી. એડ. કોલેજના વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ આપવા માટે ઇનોવેશન ક્લબ ઈનોવેશન કોઓડીનેટર તરીકે કોલેજના પ્રાધ્યાપક ડો. દિનેશભાઈ આર. પટેલની પસંદગી કરાઇ હોવાનું કોલેજના અાચાર્ય ડો. એલ.વી. ફફલે જણાવ્યું હતું.
સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની રીતે રોજગારી ઉભી કરી શકે એવા ઉમદા હેતુથી ડ્રોન સહિતના વિવિધ આધુનિક ટેકનોલોજી યુક્ત કિંમતી અને અગત્યના સાધનોથી સજ્જ પાંચ ડી.આઇ. વાય. (ડુ ઇટ યોરસેલ્ફ) કીટ ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી કોલેજને આપવામાં આવી હોવાની માહિતી આપતા ડો. પટેલે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં દરેક વિદ્યાર્થી સમાજ ઉત્થાન માટેના સંશોધનમાં રસ લેતો થાય તે બાબતને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવી છે.
નોન ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ દ્વારા પોતાનામાં રહેલી સર્જનાત્મક અને રચનાત્મક શક્તિઓનો ઉપયોગ કરીને પોતાની જાતે બિઝનેસ શરૂ કરી શકે અને પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને સ્વરોજગારીની દિશામાં આગળ વધે એવા ઉમદા હેતુ સાથે મુન્દ્રાની બી.એડ. કોલેજમાં પણ ઇનોવેશન ક્લબની રચના કરવામાં આવી છે. અહીં તાલીમ મેળવીને શિક્ષકો બનનારા તાલીમાર્થીઓ ભવિષ્યમાં હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા કક્ષાએ પણ આ ઉમદા વિચારોને આગળ ધપાવશે એવી આશા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.