દોઢ વર્ષ અગાઉ મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ ચૂંટાયેલી બોડી સત્તામાં આવે તે પહેલાં 100 કરોડને પાર કરી જતી મુન્દ્રા બારોઇની સરકારી મિલ્કતો બનાવટી સોગંદનામાના આધારે ખાનગી નામે ચડાવી દઈ રાજ્યના જાયન્ટ જમીન કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હતો. પછી પાલિકામાં 19 વિરુદ્ધ 8 થી બીજેપી સત્તાપક્ષ તરીકે આરૂઢ થતાં સંપૂર્ણ કૌભાંડ પરથી પરદો ઉંચકાયો હતો.
તાત્કાલિક અસરથી સુધરાઈના સત્તાપક્ષ અને વિપક્ષની સર્વ સંમતિથી 37 કૌભાંડી મિલ્કતોની આકારણી રદ કરતો ઠરાવ પસાર કરાયો હતો. પણ ત્યારબાદ મહેસૂલ ખાતું ચિત્રમાં આવ્યું અને ચલકચલાણાંનો આરંભ થયો હતો અને સતત દોઢ વર્ષથી ખો- ખોની રમત રમ્યા બાદ સરકારી જમીનો બચાવા કરતાં કૌભાંડ કરનાર બાબુઓ કે કૌભાંડીઓ વિરુદ્ધ પગલા લેવામાં ઉદાસીન રહેલા જમીન સંલગ્ન ખાતું આજ પર્યત નક્કર કામગીરી કરવામાં ઉણું ઉતર્યું છે.
તેવામાં તબક્કાવાર લડત ચલાવી રહેલા સુધરાઈના સત્તાધીશોએ ફરી તમામ જમીનોનો ઠરાવ રદ કરી આકરાં તેવર સાથે મુખ્યમંત્રી સમેત તમામ સંલગ્ન ખાતાઓને લેખિત જાણ કરી કૌભાંડીઓ વિરુદ્ધ ઠોસ પગલાં લેવાની માંગ કરી છે.
લેન્ડ ગ્રેબિંગનું શસ્ત્ર ઉગામવામાં આવે -પાલિકા પ્રમુખ
ઉપરોક્ત મુદ્દે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર અને કારોબારી ચેરમેન ડાયાલાલ આહીરે કૌભાંડ મુદ્દે સુધરાઈની ભૂમિકા સ્પષ્ટ હોવા પર ભાર મૂકી નરી આંખે સ્પષ્ટ દેખાય તેવો અભિપ્રાય મુખ્યમંત્રી ઉપરાંત તમામ સંલગ્ન ખાતાને રવાના કરાયો હોવાની લાગણી સાથે હવે તમામ કૌભાંડીઓ
વિરુદ્ધ ઠોસ કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
સરકારી બાબુઓને બચાવવા સ્કેમ ઢીલું મુકાયું -વિપક્ષ
સુધરાઈના વિપક્ષી નેતા ઇમરાન જત અને સદસ્ય જાવેદ પઠાણે પોતાના ગજવા ભરી સંપૂર્ણ કૌભાંડના પાયામાં રહેલા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અને તલાટી અજયસિંહને બચાવવા મહેસૂલ ખાતું દોઢ વર્ષથી તારીખ પે તારીખની રમત રમતું હોવાનો આક્ષેપ કરી બંન્ને ને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
ઠરાવ હસ્તગત થયા બાદ આગળની કાર્યવાહી કરશું - મામલતદાર
અત્યંત સંવેદનશીલ એવા જમીન કૌભાંડમાં સ્થાનિક સ્તરે તપાસકર્તા તરીકે જેની મુખ્ય ભૂમિકા રહી છે તે મહેસૂલ મામલતદાર ચિરાગ નિમાવતને પૂછતાં તેમણે પાલિકાનો ઠરાવ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.જયારે કૌભાંડીઓ સામે લેન્ડ ગ્રેબિંગ નું શસ્ત્ર ઉગામવા મુદ્દે કોઈ ઠોસ ચોખવટ કર્યા વિના જવાબ આપવાનું ટાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.