મુન્દ્રા બારોઇને સંયુક્તપણે નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મળેલી સામાન્ય સભાની સાતમી બેઠકમાં વિવિધ ગ્રાંટો પેટે મળેલા રૂા. 3.57 કરોડના વિકાસકામોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. સ્થાનિકેના રોટરી હોલ મધ્યે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્યસભાના પ્રારંભે પૂર્વ રાજ્યમંત્રી સ્વ. તારાચંદભાઇ છેડા માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.
બાદ પંદરમાં નાણાં પંચના 81.45 લાખ શહેરી વિકાસ, યોજનાના 2.25 કરોડ તથા વ્યવસાય વેરા ગ્રાંટ પૈકી 50.79 લાખ મળી કુલ્લ 3.57 કરોડના વિકાસકાર્યોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. વિશેષમાં નવી નગરપાલિકા માટે નવું મહેકમ મંજુર થવા બાબત પર પ્રકાશ પાડી ભરતી અને બઢતીના નિયમો અંગેના ઠરાવને સર્વાનુમતે બહાલી અપાઈ હતી.
સામાન્ય સભામાં કુલ્લ નવ વિપક્ષી પૈકી ઉપસ્થિત રહેલા ચાર નગરસેવકોએ સામાન્ય જનતા તથા વિપક્ષના કામો થતાં ન હોવા ઉપરાંત મિનિટ બુકમાં પણ તેમના વાંધાઓની નોંધ લેવાતી ન હોવાનો આક્ષેપ કરી સ્વેછાએ શાંતિપૂર્વક બેઠકમાંથી વોકઆઉટ કર્યું હોવાનો આક્રોશ વિપક્ષી ઉપનેતા કાનજી સોંધરા એ વ્યક્ત કર્યો હતો.
1.10 કરોડના ખર્ચે આઝાદ મેદાન સ્થિત શાકમાર્કેટમાં સ્ટોલ ઉભા કરાશે
વિશેષમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવાના ઉદેશ્યથી કોટ અંદરના લારીધારકોને આઝાદ મેદાનમાં ખસેડાયા બાદ હવે અદાણી ફાઉન્ડેશને સહમતી દર્શાવતાં સૂચિત જગ્યાએ લારી ધારકો ને 1.10 કરોડના ખર્ચે સ્ટોલ ઉભા કરી આપવામાં આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.