હાલ વિધાનસભાની ચૂંટણીઓને લઇ પ્રચાર કાર્ય દરમ્યાન થોકબંધ પ્રજાલક્ષી વાયદાઓની લ્હાણી કરવામાં આવી રહી છે. તેના વચ્ચે મુન્દ્રા બારોઇ નગરપાલિકાનો વહિવટ મુખ્ય ગાંધીધામના તથા સ્થાનિકેના ઇન્ચાર્જ ચીફ ઓફિસરના ભરોસે હોવાથી પ્રજાજનોના અનેક કામો ટલ્લે ચડતા હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠી છે.
દોઢ વર્ષ અગાઉ મુન્દ્રા બારોઇને સંયુક્તપણે પાલિકાનો દરજ્જો મળતાની ચૂંટાયેલી બોડી પહેલા માંડવી નગરપાલિકાના તત્કાલિન ચીફ અોફિસર અને હાલમાં વિવાદમાં અાવેલા સંદિપસિંહ ઝાલાને મુન્દ્રાનો હવાલો સોંપાયો હતો. તે ટર્મ સુધી કાયમ રહ્યા બાદ કાયમી સીઓ તરીકે મહેન્દ્ર હુરબડા મુકાયા હતા. તેમણે કચ્છના બહુચર્ચિત મુન્દ્રા બારોઇના 100 કરોડથી વધુના જમીન કૌભાંડની લમણાઝીંકથી કંટાળીને સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું હતું. ત્યાર બાદથી આજ પર્યંત મુન્દ્રાનો ચાર્જ અન્ય શહેરના ચીફ ઓફિસરને સોંપાઈ રહ્યો છે.
માટે પૂરતી હાજરીના અભાવે લોકોના તમામ મંજૂરી સંલગ્ન કામ રઝળતા હોવાનું સપાટીએ તરી આવ્યું છે. ત્યારે લોકો પ્રથમ કાયમી સીઓ નિયુક્ત કરી વિકાસનો પાયો મજબૂત કરવાની અપેક્ષા સેવી રહ્યા છે. ઉપરોક્ત મુદ્દે ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાનો સંપર્ક કરતા તેમનો ફોન સતત રણકતો રહ્યો હતો. જયારે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે તેઓ અઠવાડિયામાં બે વખત હાજર રહેતા હોવા પર ભાર મૂકી બાકીના આક્ષેપો નકારી કાઢ્યા હતા.
માંડવીમાં પણ ઇન્ચાર્જ ચીફ અોફિસર અને કામો ટલ્લે
મુન્દ્રા જેવી જ હાલત માંડવી પાલિકાની છે. અહીં પણ હાલ ઇન્ચાર્જ ચીફ અોફિસર છે. સીઅો સહિતના કર્ચારીઅો ચૂંટણીની કામગીરીમાં હોવાથી અહીં પણ લોકોના કામો અટવાયા છે. માંડવી પાલિકામાં હાલ ઇન્ચાર્જ ચીફ અોફિસર તરીકે જીગર પટેલ ફરજ બજવી રહ્યા છે. અધિકારીઅો હાજર નહીં રહેતા હોવાથી શહેરીજનોને પાલિકાના ધક્કા ખાવા પડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.