મુન્દ્રા પંથકમાં છેલ્લા કેટલાક સમય થી હીટ એન્ડ રન ની ચિંતા જનક ઘટનાઓ સામે આવી રહી છે આવા જ એક બનાવમાં ગત રાત્રે ભદ્રેશ્વર મુકામે પરપ્રાંતીય યુવાનને હડફેટે લઇ વાહન ચાલક ભાગી છુટતા ભોગગ્રસ્તનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.કોસ્ટલ પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉપરોક્ત બનાવ 9/12 ની રાત્રીના નવ વાગ્યાના અરસામાં ભદ્રેશ્વર હટડી રોડ પર આવેલ હિન્દુસ્તાન અધેસિવ કંપનીની સામે આવેલા હાઇવે પર બન્યો હતો.
જેમાં અજાણ્યો વાહન ચાલક બિપીનકુમાર બૈજનાથ તિવારી (ઉ.વ.30 રહે હાલે હિન્દુસ્તાન અધેસિવ કંપનીની લેબર કોલોની ભદ્રેશ્વર-મૂળ ઝારખંડ)નામક યુવાનને હડફેટે લઇ નાસી જતાં ભોગગ્રસ્તે રોડ પર તરફડિયાં ખાતાં દમ તોડ્યો હતો.બનાવને પગલે હતભાગીના શબને મુન્દ્રા સીએચસીમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના પરિવારજનો ને જાણ કર્યા બાદ મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે અઠવાડિયા અગાઉ મોખા ટોલનાકા નજીક હીટ એન્ડ રન નો બનાવ બન્યો હતો.જેમાં અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં ગાંધીધામ નું દંપતી મોતને ભેટ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.