મુન્દ્રાના અતિ વિકસિત એવા બારોઇ રોડ ખાતેના 250 દબાણકારોને આરએન્ડબી વિભાગ દ્વારા ત્રણ દિવસમાં સ્વેચ્છાએ દબાણ હટાવી લેવાની નોટિસ અપાયા ના પંદર દિવસ બાદ પણ સંબધિત ખાતાઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં તાલુકા સંકલન સમિતિની બેઠકમાં તે અંગે સવાલો ઉઠ્યા હતા.
પ્રાંત અધિકારી ટી. પી. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ઉઠેલા દબાણ અંગેના પ્રશ્ન મુદ્દે સુધરાઈ અને આરએન્ડબી વિભાગે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની ખાત્રી ઉચ્ચાર્યા બાદ પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે મુન્દ્રા બારોઇ હસ્તકના જાયન્ટ જમીન કૌભાંડ અંગે ડીઆઇએલઆર ખાતાને ઝડપથી માપણી કરી રિપોર્ટ સોંપવા આગ્રહ કર્યો હતો.એટીવીટીના સદસ્ય વિજયસિંહ જાડેજાએ મોટા કપાયાની ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરી વરસાદી ઋતુ ને અનુલક્ષીને અવરોધાયેલા કુદરતી વહેણો છુટા કરવા પર ભાર મૂકી હાલ વાહન ચાલકો પાસેથી તગડો ટોલ વસૂલતા મોખા ટોલ ના સંચાલકોને નાકાથી દેશલપર સુધીની બંધ રોડ લાઈટો ત્વરીત ચાલુ કરવાની માંગ કરી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ રાણીબેન ચાવડાએ મુખ્ય માર્ગથી પસાર થઇ જતી બસને અડધો કિમી અંદર આવેલા છસરા ખાતે સ્ટોપ આપવાની વાત ઉચ્ચારી હતી .ઉપરાંત વીજ વિક્ષેપ તથા તાલુકામાં સુજલામ સુફલામ યોજના હેઠળ બેરોકટોક ચાલતી રેતી ચોરી સમેતના અનેક પ્રશ્નો છવાયા હતા.જેનું બેઠકમાં ઉપસ્થિત વિવિધ ખાતાઓના પ્રતિનિધિઓએ નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું. મામલતદાર ચીરાગ નિમાવત, એટીવીટી સદસ્ય ચેતન આહીર અને કુલદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.