સુવિધા:મુન્દ્રામાં પાણીના વહેણ આડેના દબાણો પાલિકાએ હટાવતાં ઐતિહાસિક જેરામસર તળાવ ઓગન્યું

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 ઇંચ વરસાદ બાદ પણ તળાવ ન છલકાયાનો હેવાલ પ્રસિદ્ધ થયો હતો
  • ગત વર્ષે યુવાન ડૂબી જતાં સ્થાનિક ધારાસભ્યએ માત્ર શ્રીફળ વધેરી વધાવ્યું

મુન્દ્રામાં ઔદ્યોગિકરણ ના પગલે ઐતહાસિક જેરામસર તળાવ ની આવ પર થયેલા અતિક્રમણ થકી નગરમાં 20 ઇંચ વરસાદ બાદ પણ તળાવ છલકાયું ન હોવાના અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયા બાદ હરકતમાં આવેલા સુધરાઈના સત્તાધીશોએ સૂચિત વિસ્તારોનો મુહાઈનો કરીને વોંકળાઓ પર થયેલ અતિક્રમણ દૂર કરતાં જેરામસર તળાવ સાથે નાનું તળાવ પણ ઓગની જતાં નગરમાં ખુશીનો માહોલ છવાયો હતો.પરંતુ ગત વર્ષે વાજતે ગાજતે તળાવને વધાવતી વેળાએ અકસ્માતે યુવાન ડૂબી જતાં તેના શોકમાં આજે મોડી સાંજે મુન્દ્રા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ ફક્ત શ્રીફળ વધેરી શાસ્ત્રોક્ત વિધિથી તળાવના વધામણાં કર્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ અગાઉ મોડી સાંજે મુન્દ્રા ગાંધીધામ રોડ પર આવેલ ઉમિયા નગર અને રિદ્ધિ નગર સોસાયટી વિસ્તારોમાં પાણીનો અતિ ભરાવો થવાની ફરિયાદો ઉઠતાં સ્થળ સમીક્ષા કરવા નીકળેલા પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમાર અને ચેરમેન ડાયાલાલ આહીર સાથે નગર સેવકોએ પ્રથમ પાણીના નિકાલમાં અવરોધરૂપ અંતરાયો દૂર કર્યા હતા.ત્યાર બાદ જેરામસર તળાવમાં પાણીની મુખ્ય આવક પણ તેજ વિસ્તારમાંથી હોઈ વોંકળામાં થયેલા તમામ કેબિનરૂપી અતિક્રમણ સ્વેચ્છાએ દૂર કરવાનો અનુરોધ કરતાં અમુકે સહયોગ આપી દબાણ ખસેડી લીધા હતા.

જયારે કેટલાક દબાણો જેસીબી દ્વારા દૂર કરવાની ફરજ પડી હતી.અંતે તળાવ સુધી પાણી પહોંચવાનો માર્ગ મોકળો બન્યો હતો,અને રાત્રીથી મોટી માત્રામાં પાણી ગ્રહણ કરતુ જેરામસર તળાવ બપોર સુધી છલકાઈ જતાં નગરજનો તેનો નજારો માણવા ઉમટી પડ્યા હતા.આજે તેને વિધિવત વળાવતી વેળાએ સર્વે નગરસેવકો ઉપરાંત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...