ખનીજ ચોરી:રામાણિયાની ગૌચર જમીનમાંથી ખનીજ ખનન માટે ફરી ભૂમાફિયાઓ સક્રિય

મુન્દ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનો મામલો ઠંડો પડતાં ઉત્ખન્ન નો સળવળાટ
  • અગાઉ સૂચિત સ્થળે થી બોક્સાઈટ ચોરી થતાં ખાણખનીજ ખાતાએ વિધિવત ફરિયાદ નોંધાવી હતી

મુન્દ્રા તાલુકાના રામાણીયા મુકામે ગત ડિસેમ્બર માસમાં સ્થાનિક ગ્રામજનોએ જનતા રેડ કરી ખનીજ ચોરીના કારસ્તાન ને ખુલ્લું પાડતાં મોટે ભાગે કુંભકર્ણ નિંદ્રા માણતું જિલ્લાનું ભૂસ્તર ખાતું હરકતમાં આવ્યું હતું.અને મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં વિધિવત બોક્સાઈટ ચોરીની ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.તે મુદ્દે હજી કોઈ નોંધપાત્ર પરિણામ મળ્યું નથી ત્યાં ફરી તે જગ્યાએથી કિંમતી એવી ખનીજ ની ચોરી માટે ભૂમાફિયાઓ સક્રિય થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ અગાઉ જ્યાં પ્રતિબંધિત બોક્સાઈટ ની ચોરી થઇ હતી તે મુન્દ્રા તાલુકાના રામાણીયા સીમ ના રે સ ન 325 ની ઉગમણી બાજુની આળાપ તરીકે ઓળખાતી સર્વે નં 9011 વાળી ગૌચર જમીનમાંથી ફરી ત્રણ ગાડી ખનીજ ની ચોરી થઇ હોવા અંગે ગામના જાગૃત નાગરિક રણજીતસિંહ મંગુભા જાડેજાએ તંત્ર નું ધ્યાન દોરી લેખિત અરજીરૂપે તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે પગલાં લેવાની માંગ કરી છે.

અત્રે નોંધનીય છે કે ગત 16/12/21 ના રોજ ખાણખનીજ ખાતા દ્વારા કરાયેલ ફોજદારીમાં ફક્ત છ લાખ રૂ ની 1350 મે ટન બોક્સાઈટ ચોરી દર્શાવાઈ હતી.જયારે ગ્રામજનોએ 35 ટન ની એક એવી કુલ્લ 43 ગાડી ખનીજ સંપદા ચોરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

પગલાં લેવામાં સંબધિત ખાતાઓ ઉદાસીન
હાલ સક્રિય થયેલ ખનીજ માફિયાઓએ અવાવરૂ સ્થળ પર પહોંચવા ચાર કિમી સુધી નો રસ્તો તૈયાર કરી લીધો હોવાનું જણાવતા ગામના જાગૃત નાગરિક આશીષસિંહ જાડેજાએ છતાં તે બાબત ખાણખનીજ અને પોલીસખાતા ની નજરે ચડતી ન હોવા અંગે વસવસો વ્યક્ત કરી જિલ્લા સ્વાગત,કલેક્ટર કચેરી થી લઈ તમામ સંલગ્ન ખાતાઓને લેખિત રજુઆત કર્યા બાદ પણ અપેક્ષિત કાર્યવાહી કરવામાં પ્રશાસન નું વલણ ઉદાસીન હોવાની લાગણી દર્શાવી હતી.

સ્થળ પર ઉત્ખન્ન છે પણ ચોરી થવાનું સાબિત નથી થતું
ઉપરોક્ત મુદ્દે ટેલિફોનીક ફરિયાદ બાદ સ્થળ સમીક્ષા કરવા પહોંચેલા પશ્ચિમ કચ્છ ખાણખનીજ વિભાગના માઇન સુપરવાઈઝર બી એમ નકુમ નો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે જગ્યા પર ઉત્ખન્ન થયાનું સ્પષ્ટ જણાઈ આવે છે પણ ચોરી થઇ છે કે કેમ એ સાબિત ન થતું હોવા પર ભાર મુક્યો હતો.અને તલસ્પર્શી તપાસ બાદ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...