મુન્દ્રામાં અઠવાડિયા અગાઉ પ્રકાશમાં આવેલા બહુચર્ચિત સોપારી કૌભાંડ અંગે તપાસના અંતે ગત મોડી રાત્રે ચાર શખ્સો વિરુદ્ધ વિધિવત ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી.જેમાં એકની બનાવ સમયે સ્થળ પરથી અટકાયત કર્યા બાદ અન્ય બે ને પોલીસે દબોચી લીધા હતા.જયારે મુખ્ય સૂત્રધાર હજી પોલીસ પહોંચથી દૂર હોવાનું જણાઈ આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લાની સાયબર ક્રાઇમ ની ટુકડીએ 24/2 ના રોજ મુન્દ્રાના પ્રાગપર સ્થિત સૂચિત રોડ પર આવેલા આદીનાથ કાર્ગોના ગોડાઉન માંથી મસમોટા ડ્યુટી કૌભાંડ સાથે મુક્ત બજારમાં પગ કરવા જઈ રહેલી 1.56 કરોડ રૂની સોપારી ભરેલી ત્રણ ટ્રકો ટાંચમાં લીધી હતી.તેના પરથી પગેરૂં દબાવ્યા બાદ બીજા દિવસે સામખિયાળી પાસેથી 48 લાખની સોપારી ભરેલી વધુ એક ટ્રક પકડી ગોડાઉન સંચાલક અમિત શંભુલાલ કટારીયા (ઉ.વ.32 રહે હાલે મુન્દ્રા મૂળ ડોમ્બિવલી થાણે)ની અટકાયત કરી ઘટના સંબધિત વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જેમાં અન્ય આરોપી તરીકે દિપેશ માધવજી ભાનુશાલી (રહે આદિપુર),મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા(વિજય પાર્ક-મુન્દ્રા)અને રવિ દેઢિયા(ભુજપુર) સમેત ચાર ઈસમો વિરુદ્ધ ષડયંત્ર રચવા ઉપરાંત જાલી દસ્તાવેજો ઉભા કરવા સહિતની વિવિધ છ કલમો તળે ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અને તેની ફળશ્રુતિ રૂપે વહેલી સવારે રવિ દેઢીયાને ભુજપર અને મહેન્દ્રસિંહ ને સ્થાનિકેથી દબોચી લઇ તપાસનો દોર આગળ ધપાવ્યો છે.
મિક્સિંગ કરવાનાે કાચો માલ દર્શાવી આયાત સોપારી કરાઈ
સમગ્ર ઘટનાની તપાસના અંતે શિપિંગ બીલમાં રીગ્રાઇન્ડ રો મટેરીયલ દર્શાવી સોપારીનો જંગી જથ્થો આયાત કરાયા બાદ ટ્રક મારફતે મોટા કપાયા પ્રાગપર વચ્ચે આવેલા આદિનાથ કાર્ગોના ગોડાઉનમાં લોડ કરાયો હતો.ત્યાર બાદ ખોટી બિલ્ટીઓ બનાવી તેને રાજ્ય બહાર મોકલવાની પેરવી કરાઈ રહી હતી.
ત્યારે જથ્થો સાયબર સેલના હાથે લાગી ગયો હતો.સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી ચાલતા ડ્યુટી ચોરી રેકેટમાં અનેક પાર્ટીઓ સક્રિય છે.અને ધંધાકીય હરીફાઈ ને પરિણામે અંદર સંકળાયેલા હરીફોએ બાતમી આપી દેતાં પાશેરા માં પૂણી સમાન સ્કેમ પરથી પરદો ઉંચકાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.