વધુ ચાર ઇંચ વરસ્યો:મુન્દ્રા સતત આઠમા દિવસે પંથક પર મેઘરાજાનું હેત અવિરત

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા પંથકમાં સતત આઠમા દિવસે મેઘરાજાની મહેર અવિરતપણે જારી રહેતાં નાની સિંચાઇના કારાઘોઘા, બાબિયા, ગેલડા સહિતના તમામ ડેમો ઓગની જવા ઉપરાંત તાલુકાના પત્રી સ્થિત ખેંગાર સાગર ડેમ ઓગનવાને આરે આવી જતાં ખોરવાયેલા જનજીવન વચ્ચે પણ ચોમેર જશ્ન નો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

ધીમી ધારે વરસી રહેલા સતત વરસાદ વચ્ચે મુન્દ્રામાં મધ્યરાત્રીથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં વહેલી સવાર સુધી નગરમાં ચાર ઇંચ પાણી વરસી ગયું હતું. ભારે વરસાદને પગલે છેલ્લા છ દિવસથી પાણીમાં ગરક રહેલી મુન્દ્રા બારોઇ વિસ્તારની સોસાયટીઓના રહીશોની હાલત વધુ કફોડી બની હતી.

જયારે સૌથી વધુ પ્રભાવિત તાલુકા પંચાયત નજીક નો ગુર્જરવાસ થયો હતો. ત્યાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરી સુદ્ધા પાણીમાં તણાઈ જતા સુધરાઈ હરકતમાં આવી હતી, અને તાલુકા પંચાયત પાસેનો માર્ગ ખોદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત ગૌરવ પથના નિર્માણને કારણે આરડી હાઈસ્કૂલથી બસ સ્ટેન્ડ સુધીના રોડ પર ખોદાણ થયેલું હોવાથી વાહનો તથા અડીને આવેલી આર ડી હાઈસ્કૂલ તથા સી કે એમ કન્યા વિદ્યાલયના છાત્રોને પસાર થવું દુષ્કર બન્યું હતું.

વાઘૂરામાં નદીના પ્રવાહમાં તણાઈ રહેલી ગાય-ભેંસોને યુવાનો દ્વારા બચાવાઇ
બીજી તરફ મુન્દ્રા તાલુકાના છેવાડાના ગામ વાઘુરા મધ્યે ભારે વરસાદને કારણે ધસમસતા પાણી થી ભરપૂર વોંકળા ની નજીક આવેલા ઘમાણમાં પાણી ઘસી જતાં તેમાં બાંધેલી અંદાજિત 12 ગાય ભેંસો પર જીવનું જોખમ તોડાયું હતું. ઘટનાને પગલે ગુંદાલા ના નવલોહિયા યુવાન રાહુલ દાફડાએ નદીના નીરમાં કૂદી જીવના જોખમે તમામ પશુધનને બચાવી લેતાં તેને ચોમેરથી શુભેચ્છાઓ સાંપડી રહી છે.મોડી સાંજે વાઘુરા ના અગ્રણી મહાદેવભાઈ આહીરના જણાવ્યા મુજબ પશુધન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

અન્ય સમાચારો પણ છે...