ભાસ્કર એક્સપોઝ:મુન્દ્રાની કેવડી નદીમાંથી હવે મૃત વ્યક્તિની લીઝ બનાવી ઉત્ખનન, રેતીચોરીની અનેક ફરિયાદો બેઅસર

મુન્દ્રા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીઝ ફાળવણી અંગે ખુદ ભૂસ્તરખાતાનો નરોવા કુંજરોવા વાળો તાલ

મુન્દ્રા પંથકમાં ખનીજ માફિયાઓએ નદીના પટને તાલુકા મથકથી છેવાડાના ગામ ભદ્રેશ્વર સુધી ખોતરી નાખ્યા બાદ રેતી ચોરીની અસંખ્ય ફરિયાદો ઉઠતાં જવાબદાર ખાતાઓએ ઉડતી સ્થળ સમીક્ષા કરી ઔપચારિકતા પૂર્ણ કરી હતી. પરંતુ ફરી મુન્દ્રાની કેવળી નદીના પટમાં ઉત્ખન્ન શરૂ થઇ ચૂક્યું છે.

ખાણખનીજ ખાતાની ભૂમિકા સામે સવાલ
હાલ નદીના પટમાંથી દૈનિક પચાસથી વધુ ગાડી રેતી ઉલેચી પંથકમાં આવેલા ઉદ્યોગની માંગ સંતોષવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં જે વ્યક્તિ હયાત નથી તેના નામની લીઝ પર રસીદો ફાટતી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. 24 જુલાઈના રોજ હરેશ કન્સ્ટ્રક્શનના નામે ફાડવામાં આવેલી ઓનલાઇન પાવતી પર ઊડતી નજર કરતાં જેને નામે લીઝ બોલે છે તે ખુદ હયાત નથી છતાં બેરોકટોક થઇ રહેલા ઉલેચનની બાબતે ખાણખનીજ ખાતાની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા છે.

આયોજનબદ્ધ ચોરીનું નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપો
છેલ્લા પંદર વર્ષથી એકજ નામના ઓઠા તળે નદીઓ ઠોડી કરવામાં આવે છે, ત્યારે જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ કાયદાકીય રીતે લીઝમાં નામ ટ્રાન્સફર થઇ શકતું નથી. વિશેષમાં તાજેતરમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા મંગાવામાં આવેલી માહિતી અંગે ખુદ ખાણખનીજ ખાતાએ હાલ મુન્દ્રામાં કોઈ લીઝ અપાઈ ન હોવાનો પ્રત્યુત્તર આપ્યો હતો. તેમજ તાલુકા સ્વાગતમાં તે બાબતે થયેલી ફરિયાદોના નિકાલ માટે ભૂસ્તરખાતાના કોઈ પ્રતિનિધિ હાજર સુદ્ધાં રહ્યા ન હતા. ત્યારે ખાણખનીજ ખાતાના આશીર્વાદથી આયોજનબદ્ધ રીતે રેતી ચોરીનું નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

વારસાઇ ફાળવામાં સમય લાગ્યો : તંત્રનો જવાબ
હાલ 11 કેવીની વીજલાઇનની તદ્દન નજીક સૂચિત વિસ્તારની ફેન્સીંગ વિના થઇ રહેલા ઉત્ખન્ન અંગે પશ્ચિમ કચ્છ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંઘનો મોબાઈલ પર સંપર્ક સાધી સ્વર્ગસ્થ વ્યક્તિના નામે લીઝ સંભવ હોવા અંગેનો સવાલ પૂછતાં તેમણે કદાચ વારસાઈ પાડવામાં સમય લાગી ગયો હોવાનો પ્રત્યુત્તર આપ્યો હતો. ત્યાર બાદ મુન્દ્રાની નદીના પટમાં લીઝ અપાઈ છે ખરી તે બાબતે તપાસ કરીને કહું નો જવાબ આપી અન્ય મુદ્દાઓ અંગે પણ નરોવા કુંજરોવા સમું વલણ વ્યક્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...