હાલાકી:સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ પણ મુન્દ્રા બારોઇના નગરજનો અનેક સમસ્યાઓના ઘેરામાં

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ વેરાઓના બોજ બાદ પણ ગંદકી અને રખડતા ઢોરોએ લોકોને બાનમાં લીધા

દોઢ વર્ષ અગાઉ મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો મળતાં પ્રફુલ્લિત થયેલા નગરજનો હાલની તારીખમાં અનેક સમસ્યાઓના ઘેરામાં સપડાયેલા હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. લોકો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે નગરની આંતરિક સોસાયટીઓ ઉપરાંત તેચ્છી ચોકમાં વિકાસકાર્યો રૂપે શરૂ થયેલ સીસીરોડ છ માસ બાદ પણ પૂર્ણ ન થતાં માથાનો દુખાવો બની રહ્યો છે.

જયારે ભારે ખમ સફાઈ વેરો ચુકવ્યા બાદ પણ કોટ અંદરના ચાઈના ગેટ,ભાગ,નનામા શેરી,વેરાઇમાતા ચોક,મચ્છીપીઠ,બોર્ડિંગ ફળિયું,હસનપીર બજારના કેટલાક વિસ્તારોમાં ખડકાયેલા ગંદકીના ગંજ રોગચાળાને આમંત્રણ આપતા નજર આવે છે.વિશેષમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં બેફામ વિચરતા પશુઓનું યુદ્ધ જાણે રોંજીદો નિત્યક્રમ બન્યો છે.ત્યારે કોઈ અકસ્માતની અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોવાઈ રહી હોવાની લાગણી નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.વળી સુનિયોજીત આયોજન વિના ભૂખી નદીના પટમાં સળગાવીને કરાતા કચરાના નિકાલ થકી ગઢરાંગ વિસ્તારના રહેણાંકોને કાળો ધૂમ્ર ઘેરી વળતો હોવાની રાવ ઉઠી છે.

ગોકળગાય ની ગતિએ ચાલતું ગૌરવપથ ફેઝ 1 નું કામ પૂરું થવાનું નામ નથી લેતું.માર્ગ બન્યો છે તેના પર મુખ્ય વળાંકો પર સ્પીડબ્રેકર ને બદલે ફક્ત શાળા પાસે ખડકી દેવાયેલા જમ્પર પર રાત્રીના ભાગે દેખાય તેવા સફેદ પટ્ટાઓ નો અભાવ વર્તાઈ રહ્યો છે.ઉપરાંત જોરશોરથી કરાયેલ ગૌરવપથ ફેઝ 2,જેરામસર તળાવની સુધારણા,સ્પોર્ટસ સંકુલ,નલ સે જલ જેવી અનેક જાહેરાતો નું અમલીકરણ ના હજી ઠેકાણાં નથી અને ખાસ નગરપાલિકા ભવન નું આજ પર્યત તગડું ભાડું ભરવામાં આવી રહ્યું છે.ત્યારે લોકો વિકાસના મીઠા ફળ ચાખવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ઢોરોને ગુંદાલા પાંજરાપોળ ખસેડવાના પ્લાનનો ફિયાસ્કો
બાર મહિના અગાઉ મુન્દ્રા બારોઇ નગરપાલિકાએ રખડતા ઢોરોને પકડી ગુંદાલા સ્થિત પાંજરાપોળમાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો.અને સાચવણી ખર્ચ પેટે સંચાલકોને ડિપોઝીટ ભરી હોવાનું જાહેર કર્યું હતું.પરંતુ આજની તારીખમાં ગઢરાંગની અંદરના વિસ્તાર ઉપરાંત બસ્ટેન્ડ થી બારોઇ રોડ સુધી અનેક ઢોરો અકસ્માતની આલબેલ વગાડી બેખોફ વિચરતા નજર આવે છે.જેથી લોકોમાં પાલિકાના વાયદાઓ તદ્દન પોકળ હોવાની લાગણી ફેલાઈ છે.

અન્ય સમાચારો પણ છે...