હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં લમ્પીના ભરડાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ અસરગ્રસ્ત એવા મુન્દ્રા તાલુકામાં ટપોટપ મોતને ભેટી રહેલા ગૌવંશનો એક નિયત જગ્યામાં નિકાલ કરવાના મહત્વભર્યા નિર્ણય પર તંત્રએ વિચારવિમર્શ કર્યો હતો.
સ્થાનિકે પ્રાંત કચેરીમાં આરોગ્ય ખાતા, આરએન્ડબી, પોલીસ, પીજીવીસીએલ સમેત સંબધિત ખાતાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતીમાં યોજાયેલ તાલુકા સંકલન ની બેઠક મધ્યે ATVT ના સદસ્ય વિજયસિંહ જાડેજા તથા કુલદિપસિંહ જાડેજાએ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે મોતને ભેટી રહેલા ગૌવંશ નો નિકાલ એક જગ્યા ખાસ કરીને ગૌચર નિયત કરી ત્યાં કરવાની માંગ કરતાં પ્રાંત અધિકારી પરેશ પ્રજાપતિએ ઉપરોક્ત મુદ્દે વિચારણા કરી પાંજરાપોળ અને બાંભ ના ઈજારેદારોને તાત્કાલિક ધોરણે મૃતદેહોનો સુરક્ષિત જગ્યાએ નિકાલ કરવાની તાકીદ કરી હતી.
અન્ય મુદા તરીકે પાલિકા પ્રમુખ હાલ વરસાદી સીઝનમાં પણ બારોઇ સ્થિત બાપુ નગર,ખારી મીઠી વિસ્તાર તેમજ ગાયત્રી નગરમાં પાણીના વોંકડાઓ પર દબાણ ની પ્રવૃત્તિ પુરજોશમાં ચાલુ હોવા તરફ અંગુલિનિર્દેશ કરી વરસાદી સીઝનમાં કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા તેના પર રોક લગાવવા પર ભાર મુક્યો હતો.
જેના પ્રત્યુત્તરમાં મામલતદાર ચિરાગ નિમાવતે સ્થળ સમીક્ષા કરી અતિક્રમણકારો ને નોટિસ બજવણીની કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભદ્રેશ્વર સ્થિત કંપનીઓ બેરોકટોક ભૂજળ નું ઉલેચન કરી સરકારી ધારાધોરણો નો છેદ ઉડાડતી હોવા છતાં તંત્ર ઉદ્યોગો સામે કુણું વલણ અપનાવતું હોવાનો આક્રોશ દર્શાવ્યો હતો.જેના જવાબમાં ત્વરિતે પગલાં લેવાનું આશ્વાસન અપાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.