મુન્દ્રામાં ઉદ્યોગોના આગમન ને પગલે વાહનો નો ઘસારો ભારે પ્રમાણમાં થતાં ડો બાબા સાહેબ આંબેડકર સર્કલ અને જેરામસર તળાવ નજીક આવેલા પ્રવેશદ્વાર પાસે થતું દ્વિચક્રી વાહનો નું અતિક્રમણ યાતાયાતમાં અત્યંત અવરોધો પેદા કરી રહ્યું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
રાજપૂત ક્ષત્રિય સમાજની વાડીની તદ્દન નજીક બસ જેવા ભારે વાહનોના પ્રવેશ માટેનો એક માત્ર માર્ગ તદ્દન સાંકડો હોવા ઉપરાંત ત્યાં દોઢ દાયકા અગાઉ દાતા ના સહયોગથી ઉભું કરાયેલ પ્રવેશદ્વાર તે સમય ની પરિસ્થિતી ને અનુલક્ષીને ઈન તથા આઉટ એમ બે વિભાગ માં વહેંચાયેલું છે.
પરંતુ હાલ તેમાં અવર જ્વર માટે માત્ર એક મુખ્ય ગેટનો ઉપયોગ થઇ રહ્યો છે.જયારે અન્ય વિભાગમાં ચોમેર દ્વિચક્રી વાહનો ખડકાયેલા હોવાથી અહીં દિવસમાં ત્રણ વાર ટ્રાફિક જામ ની સમસ્યા ઉદ્દભવતી હોવા ઉપરાંત રાહદારીઓ પર સતત અકસ્માત નો ભય તોળાતો રહે છે.
હાલ જયારે સુધરાઈ ટ્રાફિક સમસ્યા હલ કરવા નગરના કોટ અંદરના વિસ્તાર તેમજ બારોઇ રોડ ખાતે સક્રિય ભૂમિકા સાથે દબાણ હટાવ કાર્ય હાથ ધરી રહી છે.ત્યારે નગરજનો પરિવહન સુચારૂ બનાવા સૂચિત વિસ્તારને લક્ષમાં લઇ યોગ્ય કાર્યવાહી કરે તેવું ઈચ્છી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.