ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વધતા કોમી વૈમનસ્ય વચ્ચે ગામ સમિપે વગડામાં વર્ષોથી ભાઈચારાને ચરિતાર્થ કરતા પૂજારી અને મુંજાવર આસ્થાના સ્થાનોનું રખોપું !

મુન્દ્રા17 દિવસ પહેલાલેખક: રાહુલ દાવડા
  • કૉપી લિંક
  • ‘માડી’ તારી ધરા પર હવે અવશેષો શેષ બચ્યા : એક સમયનું ધિકતું ગામ બન્યુ વેરાન
  • વેરાન બનેલા માડી ગામે કોમી એકતા અડીખમ

મુન્દ્રાથી 16 કિમી અને દેશલપર કંઠીથી ચાર કિમી દૂર અંતરિયાળ વિસ્તારમાં આવેલું, ચારસો વર્ષ અગાઉ વિસર્જિત પણ થઇ ગયેલા માડી ગામની ગાથા કોમી વૈમનસ્ય ફેલાવવા ઇચ્છતા તત્વો માટે પ્રેરક બની રહે તેવી છે. એવુ કહેવાય છે કે ભુજ પછીનું મોટું શહેર માડી હતું ! ગાંધીધામ, મુન્દ્રા અને માંડવીના અસ્તિત્વ પહેલાંથી વસેલા આ ગામની રૂબરૂ મુલાકાત લેતાં ત્યાં શેષ બચેલા અવશેષોએ ભુતકાળમાં રહેલા તેના સુવર્ણ ઇતિહાસની ચાડી ખાઇ રહ્યા હતા.

ગામોના ક્ષત્રિયોનું દેવસ્થાન અહીં હોવા પર પ્રકાશ પાડ્યો
માડી અંગેની ઉડતી વાતો સાંભળી ખુદ તેની રૂબરૂ મુલાકાત લઇ હકીકતથી વાકેફ થવાનો પ્રયાસ કરતાં દેશલપર કંઠી મુકામે તલવાણા, ટૂંડા, સમાઘોઘા અને ટપ્પર સમેત પાંચ ગામના ટિલાત મહિપતસિંહ અગરસંગજી જાડેજાએ ગામ સાથે જોડાયેલા ક્ષત્રિયોના ઇતિહાસનું વિસ્તૃત વર્ણન કર્યું, કચ્છના રાજવી ખેંગારજી અને તેમના વંશજો સાથે વણાયેલી નષ્ટ થયેલા નગર માટે થયેલા ઘર્ષણના સંસ્મરણો વાગોળતા તેમણે આજ પણ ઉપરોક્ત પાંચ ગામોના ક્ષત્રિયોનું દેવસ્થાન અહીં હોવા પર પ્રકાશ પાડ્યો હતો. આસો નવરાત્રીની નોમના દિવસે કુળદેવી મોમાયમાતાજીના મંદિરમાં થતી પેડીમાં પાંચેય ગામના ક્ષત્રિય ભાયાતો શીશ નમાવા આવે છે.

વર્ષોથી ભાઈચારાને ચરિતાર્થ કરતાં પૂજારી
ત્યાર બાદ દેશલપરથી આંતરિક રસ્તે ચાર કિમી દૂર આવેલા માડીમાં પગ મુકતાની સાથે ખેતરપાળ દાદાનું મંદિર પ્રાચીન તળાવ અને પાળિયા રૂપી અવશેષોની નજીક આવેલા મોમાય માતાજીના મંદિરે દર્શન કરી ત્યાંના પૂજારી શંકરગિરિ ગોસ્વામીને મળતાં તેમણે મંદિરની બિલકુલ પાસમાં આવેલી લાલશા ઇબ્રાહિમ પીરની દરગાહની ઝાંખી કરાવી હતી. ત્યાં છેલ્લા ત્રીસ વર્ષથી મુંજાવર તરીકે ફરજ બજાવતા અબ્દુલ સતાર કાકાએ જ્યાં જગતમાં ચોમેર કોમી વૈમનસ્ય ફેલાયેલું છે ત્યાં માડી ખાતેના વેરાન જંગલમાં રાજકીય કાવાદાવાઓથી પરે રહીને વર્ષોથી ભાઈચારાને ચરિતાર્થ કરતાં પૂજારી અને મુંજાવર પોતાની આસ્થાના પ્રતીકોનું રખોપું કરતા હોવાની લાગણી દર્શાવી હતી.

સર્વ કોમના લોકો દર્શનાર્થે આવતા હોય છે
રબ્બી ઉલ આખર માસના પ્રથમ રવિવારે અહીં પણ મેળો ભરાય છે જેમાં સર્વ કોમના લોકો દર્શનાર્થે આવતા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત ત્યાં આજની તારીખમાં હયાત નજર આવેલા વિવિધ જ્ઞાતિના ધર્મસ્થાનો અહીં ક્યારેક ફક્ત ચારસો ઘર મણિયારાના હોવા ઉપરાંત અન્ય કોમોની પણ ભારોભાર વસ્તી હોવાની સાક્ષી પુરે છે.

જો કે ભૂતકાળના વૈમનસ્યે ગામને પહોંચાડી હતી જફા પણ વર્તમાનની એકતા પ્રેરણાદાયી
નગર ઉભું કરનાર ક્ષત્રિય રાજવીના અવસાન બાદ સમયે કરવટ બદલી અને લોકવાયકા મુજબ ગામમાં કુટિલ રાજનીતિ કરતી અમુક વ્યક્તિઓએ પ્રભાવ જમાવી મહાજનો,ગરાસિયાઓ અને અન્ય કોમોમાં વેરઝેરના બીજ રોપી દીધા. આમ આંતરિક વૈમનસ્ય પ્રતિદિન વધતું ગયું, ચોમેર વ્યાપેલી અરાજકતા થકી લોકો એક પછી એક અન્ય જગ્યાએ સ્થળાંતર કરતા ગયા અને અંતે માડી તવારીખનાં પાનાઓ પર ફક્ત સંભારણું બની ને રહી ગયું.

અન્ય સમાચારો પણ છે...