આમ તો સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ યોજના આડકતરી રીતે રેતી ના ગેરઉપયોગ માટેનું માધ્યમ બની રહી હોવાથી કોઈ અજાણ નથી ત્યારે ઔદ્યોગિક નગરી મુન્દ્રામાં પ્રતિ દિન ઉદ્યોગોને પડતી સેંકડો ટન રેતીની ખપત ને પહોંચી વળવા સૂચિત યોજના આશિર્વાદ રૂપ સાબિત થતાં ખનીજના ધંધાર્થીઓના મોઢા મલકી ઉઠ્યા છે.
ઉપરોક્ત યોજનાના પ્રથમદર્શી હેતુ મુજબ જેતે વિસ્તારમાં ગ્રામપંચાયત દ્વારા ના વાંધા પ્રમાણપત્ર આપ્યા બાદ રેતી ઉલેચવાની મંજૂરી અપાય છે.અને તેનો ઉપયોગ ફક્ત સરકારી ઠેકાઓ અથવા ખરાબાઓના પુરાણ ઉપરાંત કિસાનોની જમીન માટે જરૂરિયાત મુજબ કરાય છે.ત્યારે મુન્દ્રાને અડીને આવેલા કપાયા મુકામે યોજના અંતર્ગત રેતી ઉલેચવાનું કામ શરૂ થઇ ચૂક્યું હોવાની વિડીયો કલીપ સોશ્યલ મીડિયા પર વહેતી થઇ છે.જેમાં લોકો રેતીનો વપરાશ વ્યાપારિક ધોરણે થવાનો આક્ષેપ છાતી ઠોકીને કરી રહ્યા છે.
યોજનાના પ્રથમ તબક્કામાં પણ રેતીનો મોટો જથ્થો ઉદ્યોગો તથા પંથકમાં જોરશોરથી ચાલી રહેલા બાંધકામોમાં વપરાઈ ચુક્યો હોવાનું સર્વવિદિત છે.ત્યારે હવે નિયત જગ્યાએ રેતીના ઉપયોગ સાથે સરકારનો હેતુ બર આવવાને બદલે ખનીજ માફિયાઓને ઘીકેળાં થવાની ચર્ચાઓએ ચોમેર જોર પકડ્યું છે.
ભૂખી નદીનો 18 કિમી ખોતરી નંખાયેલો પટ્ટો તંત્રને દેખાતો નથી
છેલ્લા દાયકામાં સત્તાવાર રીતે મુન્દ્રા પંથકમાં સરેરાશ પાંચ હેકટર વિસ્તાર ધરાવતી છ થી વધુ લીઝ અપાઈ નથી .જયારે મુન્દ્રાથી ભદ્રેશ્વર સુધી વિસ્તરેલી ભૂખી નદીના પટમાંથી સેંકડો ટન રેતી ઉલેચાઇ ચુકી છે.વીસ ફૂટના ખાડા રૂપે આજ પણ તેના નિશાન નરી આંખે જોઈ શકાય છે.પરંતુ ભૂસ્તર ખાતાને તે દેખાતા નથી તે અલગ વાત છે.ત્યારે ઉપરોક્ત યોજના પણ તેમના માટે છટકબારી થી વિશેષ કશું ન હોવાનો મત જાણકાર સૂત્રો દર્શાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.