હાલાકી:મુન્દ્રા-બારોઇના નાગરિકો બે દાયકાથી ક્ષારયુક્ત પાણી પીવા માટે મજબૂર બન્યા

મુન્દ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મુન્દ્રા-બારોઇના નાગરિકો બે દાયકાથી ક્ષારયુક્ત પાણી પીવા માટે મજબૂર બન્યા

ભૂકંપ બાદ જેટ ગતિએ મુન્દ્રા તાલુકાનો વ્યાપારિક ધોરણે જબ્બર વિકાસ થયો જેને અનુલક્ષીને મુન્દ્રા બારોઇને સંયુક્ત પણે પાલિકાનો દરજ્જો પણ મળ્યો પરંતુ બે દાયકાથી સતત વધી રહેલી ક્ષારયુક્ત પાણી પીતા નગરજનોને આજ પર્યત ચોખ્ખું પાણી નસીબ ન થયાનો વસવસો છે.

સ્થાનિકે કાર્યરત તજજ્ઞ તબીબો પાસેથી મળેલી સત્તાવાર માહિતી મુજબ સામાન્યપણે મહત્તમ 200 ટીડીએસ ધરાવતું પાણી તંદુરસ્તી માટે અનુરૂપ ગણાય છે જયારે દરિયાઈ વિસ્તાર હોવાથી સતત વધતા જતા ક્ષારને કારણે ટીડીએસનો આંક 1200ને પાર કરી ગયો હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.

તેના કારણે પથરી ઉપરાંત પેટ અને ચામડીલક્ષી બીમારીઓ સતત વધી રહી હોવાના અહેવાલ સાંપડ્યા છે. ે સંસ્થાઓ દ્વારા સમયાંતરે યોજાતા મેડિકલ કેમ્પ અંતર્ગત ચામડી અને પેટના તબીબે નામ ન આપવાની શરતે જિલ્લા મથક ભુજમાં સારવાર લેવા આવતો દર ચોથો દર્દી મુન્દ્રા નો હોવાની ચિંતાજનક બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

વિશેષમાં સમગ્ર પંથકમાં સતત વધી રહેલા ઔદ્યોગિક આક્રમણને લીધે ભૂગર્ભજળ ઉલેચનમાં થઇ રહેલા અવિરત વધારાને કારણે પાણીના તળ પણ એટલા ઊંડા ઉતરી ગયા છે કે બોર પણ વિસ્તાર મુજબ 200થી 300 ફુટ નીચે ઉતારવાની ફરજ પડી રહી છે. આવા સંજોગોમાં ઉદ્યોગોની લોકસુનાવણી અંગે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડના જવાબદારો તો કેન્દ્ર સ્તરે સબ સલામતની પીપુડી વગાડી પોતાના હિતો સાચવતા આવ્યા છે ત્યારે ગંભીર પરિસ્થિતિ બાબતે ચિંતા સેવાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

26.52 કરોડનો DPR રજુ કરાયો છે: પ્રમુખ
ઉપરોક્ત મુદ્દે પાલિકા પ્રમુખ કિશોરસિંહ પરમારે રાજ્ય સ્તરે સંલગ્ન ખાતાઓમાં પાણી યોજનાનો 26.52 કરોડનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ પ્રસ્તુત કરાયો હોવા પર ભાર મૂકી તેને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત પ્રતિ માસ ભરાતી રાજ્યની તમામ પાલિકાઓની મિટિંગ વખતે ડીપીઆરને અંતિમ મંજૂરી અપાય તેવા પ્રયાસો સુધરાઈના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરાયા હોવાની લાગણી દર્શાવી ટૂંક સમયમાં લીલી ઝંડી મળી જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...