ફાઈલેરીયાએ ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ મચ્છરના કરડવાથી ફેલાતો એક વાહકજન્ય રોગ છે જેને આપણે “હાથીપગા” તરીકે ઓળખીએ છીએ. હાથીપગા રોગથી દર્દીનું મૃત્યુ થતું નથી પરંતુ દર્દી કાયમી અપંગ બની જતા તેની જીવનભરની ખુશાલી છીનવાઈ જાય છે આ રોગના નિદાન થયા બાદ તેને વધતો અટકાવી શકાય છે.
ખાસ કરીને દરિયાકિનારે જોવા મળતા હાથીપગા રોગનો મુન્દ્રા તાલુકામાં એક પણ એક્ટિવ દર્દી નથી, પરંતુ અન્ય રાજ્યોના લોકોની અવર જવર ધરાવતા માઈગ્રેટ વિસ્તારમાં કેસ મળવાની શક્યતાને ધ્યાને લેતા ચાલુ વર્ષે તાલુકામાં રેન્ડમલી પસંદ કરેલા રામાણીયા ગામે ૨૦ તારીખે તથા ધ્રબ અને તેની નજીક આવેલ પોર્ટ વિસ્તારમાં ૨૨ તારીખે હાથીપગા નિર્મૂલન અભિયાન અંતર્ગત રાત્રીના સમયે ૬૦૦ વ્યક્તિના લોહીના નમૂના લેવાના હોઈ લોકોએ સાથ સહકાર આપવા તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાસપતિ પાસવાન દ્વારા અપીલ કરવામાં આવી છે.
મચ્છરના કરડવાથી માનવ શરીરમાં પ્રવેશતા હાથીપગા રોગના જંતુઓ (માઇક્રોફાઇલેરીયા કૃમિ) મનુષ્ય શરીરમાં રહેવા છતાં ઘણા વર્ષો બાદ રોગના ચિન્હો દેખાતા હોય છે. આ જંતુઓ રાત્રિના દસ થી બે દરમ્યાન વધારે પ્રમાણમાં સક્રિય હોવાથી જો આ સમય દરમ્યાન લોહીના નમૂના લઈને તપાસવામાં આવે તો હાથીપગાના વહેલા નિદાન થકી તેની સારવાર કરી શકાય અને સ્થાનિકે ફેલાતો અટકાવવા માટેના પગલાં લઈ શકાય છે. આ નાઈટ બ્લડ સર્વેલન્સ માટે તાજેતરમાં તાલુકાના તમામ પુરુષ આરોગ્ય કાર્યકર તથા સુપરવાઈઝરોની તાલીમનું આયોજન તાલુકા હેલ્થ ઓફીસ ખાતે કરવામાં આવેલ હતું.
હાથીપગા રોગના લક્ષણો જેવા કે, હાથીપગો થાય ત્યારે અવાર નવાર ખુબ જ તાવ આવે છે, બેચેની અનુભવાય. ઠંડી લાગે, અંગ અકડાય જાય, શરીરની કોઈ પણ લસિકાગ્રંથિમાં સોજા આવી શકે છે, સામાન્યરીતે હાથ, પગ તથા સ્ત્રીઓમાં સ્તન અને પુરુષોમાં વૃષણગ્રંથીમાં સોજા જોવા મળે છે.હાથીપગા રોગની સારવાર માટે ડી.ઇ.સી. તથા એલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે.
દવાનો ડોઝ ડોક્ટરએ આપેલી સુચના અનુસાર લેવો જોઇએ.હાથીપગો રોગ અટકાવવાના ઉપાયો જેવા કે, લોકોએ મચ્છર કરડવાથી બચવું જોઈએ, સવાર સાંજ ઘરના બારી બારણા બંધ રાખવા, મચ્છરદાનીમાં સૂવું જોઈએ, ઘરની આસપાસ ગંદુ પાણી જમા થવા ન દેવું જોઈએ, હાથપગમાં સોજાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક ની અપીલ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.