મુન્દ્રા તાલુકાના ભુજપર પાસે ગઈકાલે બનેલા કાર અકસ્માત ના ગમખ્વાર બનાવમાં બિદડા ના વયસ્ક વેપારીને મોત આંબી જતાં તેમના પરિવારજનોમાં માતમ છવાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઉપરોક્ત બનાવ 20/5 ની સાંજે 5.48 ના અરસામાં ભુજપુર ધોરીમાર્ગ પર ગેલડા જવાના રસ્તે બન્યો હતો.જેમાં દોહિત્રી ની કરાટે સ્પર્ધા માં પુત્રી સાથે ભાગ લેવા ગયા બાદ શંખેશ્વર દર્શન કરી ને પરત ફરતી વેળાએ બિદડા માં જલારામ કલેક્શન નામે દુકાન ધરાવતા વયસ્ક વેપારી દિલીપભાઈ વિરા (ઉ.વ.66 રહે બિદડા) માર્ગ પરથી અચાનક પસાર થયેલ મહિલાને બચાવા ગયા હતા.
જેમાં તેમણે ફુલસ્પીડમાં પોતાની અલ્ટો કારને બ્રેક મારતાં નસીબજોગે તેનું ટાયર ફાટ્યું હતું. અને કાર ધડાકાભેર ડિવાઈડર સાથે ભટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજજાઓ સાથે મુન્દ્રાના સામુહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાં સારવાર કારગત થયા પહેલાં તેમને મોત આંબી ગયું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. બનાવને પગલે મુન્દ્રા પોલીસે વિધિવત ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. આમ અચાનક ખુશીનો બનાવ માતમમાં ફેરવાતાં દિલીપભાઈના પરિવારજનો ઉપરાંત બિદડાના તેમજ સમસ્ત કચ્છના જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.