મુન્દ્રા તાલુકાના ગેલડા મુકામે બનેલા અેક અત્યંત ધૃણાસ્પદ બનાવમાં પ્રાથમિક શાળાના સાતે સાત દ્વાર પર કોઈ અસામાજિક તત્વો ગૌમાંસ ફેંકી જતા લોકોમાં રોષ ફેલાયો હતો. પોલીસે પણ ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે સવારના ભાગે બનેલા બનાવમાં ગેલડા સ્થિત પ્રાથમિક શાળા ખોલતી વેળાએ શાળાના સાત ઓરડાના દ્વાર પર ગૌમાંસ નજર આવતા સમગ્ર ઘટનાક્રમ વાયુવેગે તાલુકામાં ફેલાયો હતો.
જેના પ્રતાપે જીવદયાપ્રેમીઓની લાગણી દુભાતા તેમણે તાત્કાલિક ધોરણે અસામાજિક અને વૈમનસ્ય ફેલાવતું કૃત્ય કરનાર આરોપીને ઝડપી લેવાની માંગ કરી હતી. ઉપરોક્ત મુદ્દે જાણકારી આપતાં ગૌપ્રેમી રતન ગઢવીએ બનાવને વખોડતાં વિદ્યાના મંદિર એવી શાળા પાસે ગૌમાંસ ફેંકવાનું કૃત્ય કરનારને કડક સજા કરવાની માંગ સાથે આવા બનાવો ન બને તે માટે કાળજી રાખવાની લાગણી વ્યક્ત કરી હતી. ઘટના સંદર્ભે કારાઘોઘા બીટના જમાદાર મહાવીરસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે હાલ લમ્પીના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યા છે ત્યારે કોઈ અસામાજિક તત્વએ તેનું માંસ શાળામાં ફેંકવાનું કૃત્ય કર્યું હોવાની આશંકા દર્શાવી બનાવ અંગે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.
અગાઉ પાણીના ટાંકામાં માંસ ફેંકવાનું કૃત્ય આચરાયું હતું
હાલ પ્રા શાળાના ઓરડાઓ ના દરવાજા પર ગૌમાંસ ફેંક્યા અગાઉ શાળા પરિસરમાં આવેલા પાણીના ટાંકામાં પણ માંસ ફેંકવાનું નિંદનીય કૃત્ય આચરાયું હોવા બાબત પર પ્રકાશ પાડતાં મહિલા આચાર્ય પ્રજ્ઞાબેન દાગોદરાએ તાજેતરના બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હોવાનું જણાવ્યું હતું.હાલ પોલીસે તપાસ વેગવંત બનાવી છે ત્યારે શાળામાં અવાર નવાર બનતા બનાવ ની ગંભીરપણે નોંધ લઇ ગતિવિધિ ડામી દેવી અત્યંત આવશ્યક બની હોવાનો મત ગામમાં પ્રવર્તિ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.