ભાઇ બહેનની જોડી તૂટી:ઝરપરાના વૃદ્ધાને કેન્સર બાદ 40 દિવસે દમ તોડ્યો

મુન્દ્રા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક બીજા વગર રહી ન શકતા ભાઈ- બહેનની અનોખી કહાની
  • ઔદ્યોગિક કંપનીની સેવા, આરોગ્ય કર્મચારીઓની કાળજી સહિતના પાસા ઉભરી આવ્યા

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાનાની લાગણીઓ વચ્ચે મુન્દ્રા તાલુકાના ઝરપરામાં રાખી નહીં આખેઆખા જીવનનું બંધન ભાઇ બહેને સાથે નિભાવ્યું અને જ્યારે બહેન અંતિમ સફરે જતી રહી ત્યારે ભાઇના આક્રંદે ભુજની જનરલ હોસ્પિટલના સ્ટાફને પણ ભાવુક કરી દીધો. ઝરપરાની આ જીવંત કહાનીમાં ભાઇ બહેનના પ્રેમ ઉપરાંત ઔદ્યોગિક કંપનીની સેવા, આરોગ્ય કર્મચારીઓની કાળજી સહિતના પાસા સફળ સમાજજીવનને ઉદાહરણરૂપ માની શકાય તેમ છે.

ઝરપરા ગામે 20 વર્ષથી સાથે રહેતા ભાઇ બહેન રાજીબેન પટ્ટણી (ઉંમર અંદાજે 64)અને મીઠુ ભાઈ પટ્ટણી (ઉંમર અંદાજે 66)ની વયના આધારે ગામના સેવાભાવીઓ નિ:સ્વાર્થ સેવા કરતા રહ્યા છે. આ દરમિયાન અચાનક જ ગામના રાજદે ગઢવીએ અદાણી ગ્રુપ ના એકઝિક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહને બીમાર બહેન અંગે જાણ કરીને આરોગ્ય સેવા માટે જાણ કરી હતી. જેને અનુલક્ષીને તરત જ અદાણી હોસ્પીટલની એમ્બયુલેન્સ ઝરપરા આવી હતી અને રાજીબેન અને તેના વિના રહી ન શકતા ભાઇ મીઠુભાઈને સ્થાનિકેની અદાણી હોસ્પિટલમાં લઇ અવાયા હતા.

સારવારમાં એક મિનિટ પણ બહેન દૂર જાય તો બૂમાબૂમ કરતા મીઠુભાઈનો સંબંધ જોઇને હોસ્પિટલનો સ્ટાફ અવાચક થઇ ગયો હતો. અહીં ડો વત્સલ અને તેમની ટીમે મહિલાનો ઈલાજ શરૂ કર્યો હતો. જે દરમિયાન વૃદ્ધાના મોઢામાં ચાંદા અને લાળ ટપકતી હતી અને હાલત ગંભીર લાગતાં વધુ ઈલાજ માટે ભુજની જી કે જનરલ હોસ્પીટલ માં ખસેડાયા હતા અને રાજીબેનને કેન્સર ની બીમારી હોવાનું નિદાન થયું હતું. સતત 40 દિવસ સુધી ચાલેલી સારવારના અંતે 21મી નવેમ્બરે રાજીબેને અંતિમ શ્વાસ લીધા હતા.

બહેન અંતિમ સફરે જતાં મીઠુ ભાઈના આક્રંદ થકી માહોલ ગમગીન બન્યો હતો. ભાઈ બહેનની જોડી ખંડિત થતાં આરોગ્ય સ્ટાફ પણ ભાવુક બન્યો હતો. રાજીબેન ના મૃતદેહ ને ભુજ થી ઝરપરા લઈ અવાયો હતો અને તેમના ભાઈ મીઠુ ભાઈ, તેમના પરિવારજનો તેમજ ગામના સેવાભાવી યુવાનો રાજદે ગઢવી, ભરત ગઢવી, દશરથ મીંઢાણી અંતિમયાત્રામાં જોડાયા હતા. જન સેવાના રાજ સંઘવીએ જણાવ્યું હતું કે, મીઠુભાઈ હાલ સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...