મુન્દ્રા પંથકમાં ફેલાતું જતું પવનચક્કીઓ નું સામ્રાજ્ય લોકરોષ નું કારણ બન્યું છે ત્યારે તાલુકાના રામાણીયા મુકામે રહેણાંક વિસ્તાર ની તદ્દન નજીક આવેલી લોકો માટે ત્રાસરૂપ પવન ટર્બાઇન અંગે જિલ્લા સ્તરે કરાયેલી ફરિયાદ બાદ દાદ ન મળતાં રાજ્યસ્તરે રજૂઆત કરાઈ છે.
સ્થાનિકેના જાગૃત નાગરિક રણજીતસિંહ મંગુભા એ ઉચ્ચ સ્તરે કરેલી રાવ માં રામાણીયા માં કાનજીભાઈ ગોપાલજી સાવલા શાળા ની તદ્દન નજીક આવેલી પવનચક્કી થકી વિદ્યાર્થીઓના ભણતર માં ખલેલ પડવાથી તેમની શિક્ષણ પ્રભાવિત થતું હોવા ઉપરાંત અન્ય બીજી ગામના કુદરતી તળાવ ને અડીને આવેલી હોવાથી તેમાં રહેલું પાણી સુકાઈ જવાથી ઉનાળાના પ્રખર તાપમાં પશુધન ને પીવા માટે નીર પણ ઉપલબ્ધ ન થતું હોવાની લાગણી દર્શાવી છે.
તેમજ હાલ ગામમાં 2500 જેટલા હયાત પશુઓ મોજુદ હોવાથી તેમનું અસ્તિત્વ જોખમાયું હોવાનો આક્રોશ દર્શાવ્યો છે.વિશેષમાં દોઢ કિમી વિસ્તારમાં ફેલાતા ધ્વનિ પ્રદુષણ થકી ગ્રામજનો ની રાત્રીના ભાગની નિંદ્રા હરામ થઇ ગઈ હોવાનું ટાંકી ટૂંક સમયમાં ઉચિત કાર્યવાહી કરી પવનચકી અન્યત્ર ખસેડવાની માંગ કરી જો યોગ્ય પ્રતિસાદ ન મળે તો અદાલત ના દરવાજા ખખડાવાની ચિમકી ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.