મુન્દ્રા તાલુકાના વડાલા મુકામે આજ થી 25 દિવસ અગાઉ 26/4 ના રોજ થયેલ જૈન અગ્રણી ની કરપીણ હત્યાનો ભેદ ઉકેલી પોલીસે સ્થાનિક આરોપીને દબોચી લેતાં માનવ વધ પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. જેમાં આરોપીએ પોતાના દિકરાની ફી ભરવા આધેડનો જીવ લઇ લીધો હોવાની કેફિયત આપી હતી.
સમગ્ર ઘટનાક્રમ મુજબ 26/4 ની બપોરે બે વાગ્યાના સમયગાળા દરમ્યાન વડાલા રેલ ફાટક નજીક ની સીમમાંથી મૂળ વડાલાના અને ધધાર્થે થાણાંના ડોમ્બીવલીમાં વસવાટ કરતા મનસુખભાઇ ઉર્ફે મનુભાઈ માવજી સતરા (ઉ.વ.52)નો મૃતદેહ બેરહેમી પૂર્વક ગળું કપાયેલી હાલતમાં મળી આવતાં સ્થાનિક ગ્રામજનો તેમજ મુંબઈ મહાજન શોક વ્યાપી ગયો હતો. બનાવને પગલે મુન્દ્રા મરીન સાથે જિલ્લા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. અને મૃતકના સંપર્કમાં રહેલા લોકોના નિવેદન ઉપરાંત તેના મોબાઈલની કોલ ડિટેઇલ ચકાસવામાં આવી હતી.
આમ 25 દિવસના વ્યાયામ બાદ પોલીસની રડારમાં આવેલા પ્રથમ શકમંદ વાલા નાગશી ગઢવી (ઉ.વ.41 રહે વડાલા તા મુન્દ્રા)ને ઉઠાવી તેની સઘન પૂછતાછ હાથ ધરાતાંતે ભાંગી પડ્યો હતો. અને તેણે દિકરાની શાળા ફી ભરવા હત્યાના હિચકારા કૃત્યને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતાં તેની તમામ ગતિવિધીઓ પરથી પરદો ઉંચકાયો હતો. ઉપરોક્ત ઓપરેશનમાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન તળે મરીન પીએસઆઇ ગિરીશ વાણિયા સાથે એએસઆઈ સુરેશ યાદવ,જીતુદાન ગઢવી,ચંદુલાલ ગોહિલ,મુકેશ ચૌધરી,ધેગાભાઈ ચૌધરી અને રવજી ભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
સોનુ ફેડરલ બેંકમાં મોર્ગેજ કરી ગોલ્ડ લોન લેતાં પોલીસની રડારમાં આવ્યો
હત્યાના બનાવને લઇ મુંબઇ જૈન મહાજનમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા. તાત્કાલિક ધોરણે હત્યાનો ભેદ ઉકેલવા મથતી પોલીસે સુરાગ હાથ લાગે તે માટે ગ્રામજનોની મદદથી વડાલા પાવડીયારાની સીમ ખૂંદી નાખી હતી. તેમાં આવતા કુવા,તળાવ અને અવાવરુ જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું હતું. તે દરમ્યાન ગામના વાલજી નામક ઇસમે મુન્દ્રાની ફેડરલ બેંકમાં સોનાનું બ્રેસલેટ મોર્ગેજ રાખી 1.10 લાખ ની ગોલ્ડ લોન લીધી હોવાની સચોટ બાતમી મળતાં પોલીસે પ્રથમ તેને ગત સાંજે શકમંદ તરીકે ઉઠાવી પૂછતાછ હાથ ધરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો. અને તેણે દીકરાની ફી ભરવા પૈસાની જરૂર હોઇ હત્યા ને અંજામ આપ્યાનું કબૂલી લેતાં પોલીસે મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. અને તેના વડાલા સ્થિત ઘરે માતાજીની છબી નીચે છુપાવેલ 50હજારનું સોનાનું ચેન,વડાલા સીમમાં લીમડા ના ઝાડ નીચેથી હત્યામાં વપરાયેલ છરી તેમજ ગુનામાં વપરાયેલ 70 હજારનું બાઇક તથા રૂપિયા 500નો મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી વાલજી વર્ષોથી બેરોજગાર હોવાનું જણાઇ આવ્યું
ઘટના સબંધે વડાલા ગ્રામજનોના જણાવ્યા મુજબ આરોપી વાલજી ગઢવી છેલ્લા ઘણા વર્ષો થી કામધંધા વિના બેરોજગાર ફરતો હોવાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેની પત્ની પણ કંટાળી ને મુન્દ્રાની ઋષિરાજ સ્કૂલમાં ભણતા પુત્રને લઇ પોતાના માવીત્રે વવાર રહેવા ચાલી ગઈ હતી. એટલે સુધી કે ઘણી વાર પુત્રને મુન્દ્રામાં શાળાએ બાઇકથી મુકવા આવતા વાલજીએ પેટ્રોલ માટે પણ નાણાં ઉછીના લીધા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે કારમી બેકારી એ તેને ગુનાહિત કૃત્ય કરવા પ્રેર્યો હોવાનું સપાટી એ તરી આવ્યું છે.
મૃતક સાથે આરોપીની મુલાકાતનો સાક્ષી મળ્યો
હત્યાની સઘન તપાસ ગામમાં કરી રહેલી પોલીસને વડાલા ગામે બનાવના દિવસે જ મૃતક અને આરોપીની સવારે પોણા અગ્યાર વાગ્યે ફ્રૂટની લારી પાસે મુલાકાત થઇ હોવાનું જાણવા મળ્યું હતું. અને એજ દિવસે અગ્યારથી બપોરના બે વાગ્યા વચ્ચે જૈન અગ્રણિની હત્યા થઇ, બીજી તરફ આરોપીએ એજ દિવસે મુન્દ્રાની ફેડરલ બેન્કમાં સોનું મુકી લોન લીધી જેથી પોલીસની વાલા ગઢવી તરફેની શંકા મજબુત થતાં સમગ્ર હત્યા કેસ ઉકેલાયો હતો.
કઇ રીતે બન્યો ઘટના ક્રમ
મૃતક મનુભાઈના શરીર પર સોનાનાં ઘરેણાં લદાયેલા જોઈ આરોપી વાલાની દાનત બગડી હતી. અને તેણે દીકરાની ફી ભરવા દાગીનાની લૂંટ કરી મનુભાઈનું ઢીમ ઢાળી દેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. જેને અંજામ આપવા તે પ્રથમ સસ્તા ભાવે જમીન અપાવાની લાલચ આપી મનુભાઈને વડાલાની નિર્જન સીમમાં ખેતર બતાવવા લઈ ગયો હતો. અને ત્યાં પાવડીયારા તરફ જતા કાચા માર્ગ પર હનુમાન મંદિર નજીક એકલતા ભાડી મનુભાઈને નિર્દયતા પૂર્વક છરીના બાર ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. પછી તેમના શરીર પરથી સોનાના બ્રેસલેટ, ચેન અને પોચીની લૂંટ કરી નાસી છૂટયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.