ઉણપ:મુન્દ્રામાં બ્લડ બેંક ન હોવાથી રક્ત માટે 60 કિમી દુરનો ધક્કો

મુન્દ્રા2 મહિનો પહેલાલેખક: રાહુલ દાવડા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિકાસની અવિરત હરણફાળ ભરતું શહેર ઝંખે છે બ્લડબેંક
  • તાકિદની પરિસ્થિતિમાં દર્દીઓ માટે સર્જાય છે મુશ્કેલી

છેલ્લા બે દાયકાથી તબક્કાવાર ઔદ્યોગિક આક્રમણ બાદ સમગ્ર મુન્દ્રા તાલુકો વિકાસની અકલ્પનિય હરણફાળ ભરી રહ્યું છે.ત્યારે ચોમેર અવિરત વસ્તી વધારા થકી તાલુકો પંચરંગી પંથક માં પરિવર્તિત થઇ રહ્યો છે. તેને અનુલક્ષીને આધુનિક હોસ્પિટલોના આગમન ને પગલે આરોગ્યલક્ષી સુવિધાઓ માં પહેલાં કરતા વધારો થયો પરંતુ આજ પણ નગરમાં બ્લડબેંકનો અભાવ ખૂટતી સમાન સાબિત થઈ રહ્યો છે.

પ્રતિદિન વધતા જતા અકસ્માતના બનાવો તેમજ ડિલિવરી પ્રસંગ જેવી આપાતકાલીન સ્થિતિમાં દર્દીને રક્ત માટે સરેરાશ 60 કિમી દૂર ભુજ,ગાંધીધામ,માંડવી કે અંજાર જેવા શહેરોના દવાખાનાઓ ની શરણે જવું પડે છે.જ્યારે નગરમાં સમયાંતરે યોજતા બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્રિત થતું લોહી પણ શહેર બહારની સંસ્થાઓને આપવાની ફરજ પડે છે.

ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા સમૃદ્ધ નગરમાં બ્લડબેંકના નિર્માણ અર્થે આડે આવતી આડશો જાણવાનો પ્રયાસ કરતાં ક્યાંક વ્યાપારિક અભિગમ તો કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનને કારણે ઉદ્દભવેલો ઇચ્છશક્તિનો અભાવ નજર સમક્ષ તરી આવ્યો હતો.

બ્લડ બેંક ઉભી કરવા માટે એક ચોથાઈ આર્થિક સહયોગ આપવાની ખાત્રી
સામાન્યપણે એક રક્તબેંક ના નિર્માણ માટે જગ્યા ઉપરાંત એક કરોડ રૂ નો ખર્ચ કરવો પડતો હોવાનું સામે આવ્યા પછી અનિલસિંહ તેગબહાદુર ચુડાસમા ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક ધ્રુવરાજસિંહ ચુડાસમાએ ચોથા ભાગનો આર્થિક સહયોગ આપવાની તૈયારી દર્શાવ્યા ઉપરાંત વ્યાપારિક અભિગમને પડખે મૂકી અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને નગરહિતમાં આગળ આવવા અનુરોધ કર્યો હતો.

સંચાલન ઉપરાંત અન્ય બાબતો માટે ખડેપગે ઉભા રહેવાની તૈયારી
સૂચિત સંસ્થાનના નિર્માણ માટે ગાંધીનગર સુધી થકવી નાખતી દસ્તાવેજી પ્રક્રિયા તથા બ્લડબેંક ઉભી થયા બાદ લોકઉપયોગી સાબિત થાય તેવું સંચાલન જરુરી બને છે.ત્યારે ફલાઇંગવિંગ ફાઉન્ડેશનના સંચાલક સંજય બાપટે તે અંગે સંપૂર્ણ સહયોગ આપવાની તૈયારી સાથે જોઈતું ડોનેશન પ્રાપ્ત કરવા પ્રયાસ કરવાનું જણાવ્યું હતું.

ઉદ્યોગો કાર્યરત છતાં પાયાની જરૂરિયાત માટે લોકો લાચાર
મુન્દ્રા પંથકમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા પાંચથી વધુ ઉદ્યોગો ધમધમે છે.જેઓ ફક્ત પોતાનો અંગત હેતુ સાધવા પૂરતી સીએસઆર એક્ટિવિટી કરી સંતોષ માની લે છે.રાજકીય અગ્રણીઓ પણ કંપનીઓ પાસેથી કામ કઢાવવામાં ઉણા ઉતરતા હોવાનો મત લોકોમાં પ્રવર્તિ રહ્યો છે.ત્યારે પોતાની જવાબદારી સમજીને સ્વેચ્છાએ ઉદ્યોગો આગળ આવે તો બ્લડબેંક નું સ્વપ્ન સાકાર થવાનો ગણગણાટ ચોમેરથી કાને અથડાયો હતો.

અગાઉ 2012 માં બ્લડબેંક સ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હતો
ગીતા હોસ્પિટલના એમ ડી ગાયનેક તબીબ કુંદન મોદીએ સમયની માંગ મુજબ બેંક ની તાતી જરૂરિયાત હોવાને સમર્થન આપી દાયકા અગાઉ 2012 માં તે સ્થાપિત કરવાનો પ્રયાસ કરાયો હતો તે વખતે સેવાકીય સંસ્થાઓ તથા તબીબો વચ્ચે સંકલન સાધી ન શકાતા પ્લાન પડી ભાંગ્યો હોવાની લાગણી સાથે હજી પણ તે દિશામાં સનિષ્ઠ પ્રયાસો થાય તો પૂરતો સહયોગ આપવાનું જણાવ્યું હતું.

વ્યાપારિક ને બદલે સેવાકીય સંસ્થાઓ આગળ આવે તો શક્ય બને
બારોઇ રોડ સ્થિત મીમ્સ હોસ્પિટલના ડો કૌશિક શાહે લેબ ના સંચાલન માટે જરૂરી ઇકવીપમેન્ટ ઉપરાંત તેને ચલાવી શકે તેવા તજજ્ઞો ની આવશ્યકતા ઉભી થાય છે. ત્યારે વ્યાપારિક ધોરણે ગણતરી કરાય તો ઈચ્છુકો ને હજી તે પરવડે તેમ ન હોવાથી નિસ્વાર્થ ભાવના ધરાવતી સેવાકીય સંસ્થાઓ આગળ આવે તો સ્વપન સાકાર થવાની લાગણી સાથે જો આ દિશામાં વિચારાય તો સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...