કિસાનોને નજીવું વળતર:મુન્દ્રાના હટડીમાં ઉભા કરાયેલા 65 વીજપોલ કાઢે છે પર્યાવરણની ખો

મુન્દ્રા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીઓની જમીનનો બેફામ ઉપયોગ

મુન્દ્રા તાલુકાના છેવાડાના ગામ હટડી વિસ્તારમાં કતારબંધ 48750 ચો મી જમીનમાં 65 વીજપોલ ઉભા કરી 33 કેવી વીજવહન કરવામાં આવતાં તે પક્ષીઓ માટે ઘાતક નિવડવા ઉપરાંત પર્યાવરણ નો ખો નીકળી રહ્યો હોવાની લાગણી ગ્રામજનો વ્યક્ત કરી રહા છે. હટડી અને કુકડસર વિસ્તારમાં સરકારી જમીનો ઉપરાંત નદીના પટમાં થાંભલાઓ નું આરોપણ કરી 33 કેવી વીજળી ઉત્પાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

ઉપરોક્ત બાબત માહિતગાર કરતાં હટડીના જાગૃત યુવાન જયપાલસિંહ જાડેજાએ કેવળ ગ્રામપંચાયતના ઉપસરપંચ ની સહીવાળા સંમતિ પત્રના આધારે રીન્યુ પાવર તથા સીમન્સ ગામેશા નામક કંપનીઓને સ્થાનિકોની દરકાર કર્યા વિના તમામ નીતિ નિયમો વિરુદ્ધ જિલ્લા સ્તરેથી વીજપોલ આરોપણ કરવાની મંજૂરી અપાઈ હોવાનો આક્ષેપ કરી તે અંગે સંબધિત ખાતાઓમાં લેખિત ફરિયાદ સુદ્ધાં કરાઈ હોવાનું પૂરક દસ્તાવેજો સાથે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું.

વિશેષમાં ખાનગી જમીન ધારકોને પણ સરકારી માર્ગદર્શિકા ને અવગણીને પોલીસની બીક બતાવી ન્યુનતમ વળતર ચૂકવી પોલ આરોપણ માટે જમીનો હસ્તગત કરી લેવાઈ હોવાની ચોંકાવનારી બાબતો પર પ્રકાશ પાડ્યો છે.ઉપરાંત આ અંગે સર્કલ ઓફિસર દ્વારા પંચનામું કરતી વેળાએ નિયમ ભંગ ની કબૂલાત પણ કરાઈ હોવા બાબત પર ભાર મૂકી જો પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાય તો અદાલતના દ્વાર ખખડાવાની ચીમકી ઉચ્ચારી છે.

ગ્રામપંચાયતે મંજૂરી અાપી નથી, પગલાં લેવાશે : તલાટી
ઉપરોક્ત મુદ્દે હટડી ગ્રામપંચાયતના ઇન્ચાર્જ તલાટી મંત્રી મનીષાબેન નાકરે હટડી ગ્રામપંચાયત તરફથી કોઈપણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અપાયું ન હોવાનું સ્વીકારી ટૂંક સમયમાં જવાબદાર કંપની સામે નોટિસ બજવણી ની પ્રક્રિયા હાથ ધરવાનું જણાવ્યું હતું.

‘મારી પાસે કોઈ વિશેષ માહિતી ઉપલબ્ધ નથી’ : કંપની ઇન્ચાર્જ
ગ્રામજનોના આક્રોશને પગલે સ્થાનિકે ફરજ બજાવતા રીન્યુ પાવર ના ઓપરેશન ઇન્ચાર્જ વિજયભાઈ સાટી નો મોબાઈલ પર સંપર્ક સાધી ગ્રામજનોએ તમામ ગતિવિધિ ગેરકાયદે હોવાના કરેલા આક્ષેપ અંગે અવગત કરતાં તેમણે હાલ ફરજ પર મુકાયા હોવાથી તેમની પાસે કોઈ માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવી ગુડગાંવ સ્થિત હેડ ઓફિસનો સંર્પક સાધવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...