મુન્દ્રા પંથકમાં જાણે દેશી બનાવટના વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પનોતી બેઠી હોય તેમ સ્થાનિક પોલીસે નવીનાળ બાદ અઠવાડિયામાં બીજી વાર તાલુકાના કારાઘોઘા ડેમ નજીકથી રૂપિયા 26.38 લાખ દારૂ અને બીયર ભરેલી 575 પેટીઓ પકડી પાડી પરંતુ કટિંગ કરનાર મુખ્ય સુત્રધારો તથા બુટલેગરો પોલીસ પહોંચે તે પહેલા નાસી ગયા હતા. પોલીસે મુદામાલ કબજે લઇ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી મળેલ સચોટ બાતમીના આધારે મુન્દ્રા પોલીસ તાલુકાના કારાઘોઘા ડેમ નજીકના વિસ્તારમાં છાનબીન શરૂ કરી હતી.ત્યારે તેમને બાવળની ઝાડીઓમાંથી બિનવારસુ હાલતમાં પડેલી રૂપિયા 25.06 લાખની દેશી બનાવટની વિદેશી શરાબની 6,265 બોટલ અને 1.32 લાખના 1320 બીયરના ટીન સમેત કુલ્લ રૂપિયા 26.38 લાખના શરાબનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દર્જ કરી દારૂ મંગાવનાર તથા તેની સપ્લાયમાં સંડોવણી ધરાવનાર ઈસમોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
અવાવરૂ કોતરોમાં દારૂનો જથ્થો સંતાડી ડીલિવરી કરવાનો કારસો નિષ્ફ્ળ ગયો
અઠવાડિયા અગાઉ નવીનાળમાં પરપ્રાંતથી આવેલા દારૂના જથ્થાની કટીંગ કરવાનો માસ્ટર પ્લાન બનાવનાર બુટલેગરો પોલીસની રેડ પડ્યા અગાઉ નાસી છૂટ્યા હોવા બાબત પર પ્રકાશ પાડી મુન્દ્રા પી આઈ હાર્દિક ત્રિવેદીએ કારાઘોઘાના કિસ્સામાં દારૂના ધંધાર્થીઓએ અવાવરૂ કોતરોમાં દારૂ અને બીયરનો જંગી જથ્થો સંતાડી ત્યાંથી તબક્કાવાર પ્યાસીઓને માલ પહોંચતો કરવાનો કારસો ઘડી કાઢ્યો હોવાનું જણાવ્યું હતું.
પરંતુ બંન્ને બનાવોમાં પોલીસે બાતમીદારોની મદદથી બુટલેગરોની મોડસ ઓપરેન્ડી નિષ્ફ્ળ બનાવી હોવા પર ભાર મૂકી હવે આગળની તપાસ માર્ગદર્શિકા મુજબ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસે હોવા સાથે દારૂની હેરફેરમાં સંડોવણી ધરાવતા તત્વો પોલીસ પહોંચથી દૂર ન હોવાની લાગણી દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.