મુન્દ્રા મધ્યે વિકાસ બાદ અવાર નવાર ઠગાઈના કિસ્સા સામે આવતા રહે છે છતાં આંધળૂકિયાં કરતા લોકોને અંતમાં માથે હાથ દઈ રોવાનો વારો આવે છે.આવાજ એક કિસ્સામાં ટૂંકી મુદતમાં નાણાં બમણાં કરવાની લાલચ આપી એક પેઢી મધ્યમવર્ગના લોકોનું અંદાજિત બે કરોડથી વધારેનું ફુલેકું ફેરવી જતા મોડી સાંજે ભોગગ્રસ્તો પોલીસની વ્હારે ગયા હતા અને વિધિવત ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી.
ઘટના સ્થળેથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજથી બે વર્ષ અગાઉ મુન્દ્રાના બારોઇ રોડ પર પ્રયાસ નિધિ લિમીટેડ નામની ખાનગી કંપનીએ પોસ્ટ અને સરકારી બેંકો કરતા ઓછા સમયમાં નાણાં બમણાં કરી આપવાની લલચામણી ઓફર આપી નગરના બહોળા વર્ગમાંથી અંદાજિત બે કરોડથી વધારે રકમ ઉસેડી હતી.પરંતુ છેલ્લા કેટલાય સમયથી નિયમિત હપ્તા વસુલતા પેઢીના સંચાલકો સ્થાનિક ઓફિસને અલીગઢી તાળું મારી પલાયન થઇ જતાં સમગ્ર કૌભાંડ પરથી પરદો ઉંચકાયો હતો.અને મોડી સાંજે મહિલાઓ સમેત ભોગગ્રસ્તોનું ટોળું મુન્દ્રા પોલીસ મથકે દોડી ગયું હતું.
અને વિધિવત ફોજદારી ફરિયાદ નોંધવાની ગતિવિધીઓ હાથ ધરી હતી. દરમ્યાન આંતરિક સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપરોક્ત પેઢીના બે મહિલા અને એક પુરુષ સમેત ત્રણ સંચાલકો છે.અને હાલમાં પણ આ નામે માંડવી તેમજ મુંબઈમાં પેઢી કાર્યરત હોવાનું સામે આવ્યું છે.પરંતુ મહિલા અને પુરુષ સંચાલક વચ્ચે ઘનિષ્ઠ સંબધો બાદ થયેલી આંતરિક ખટપટમાં લોકોના નાણાં સલવાયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.